ચલણી-નોટો પર લક્ષ્મીજી-ગણપતિજીની તસવીર મૂકવા કેજરીવાલની અપીલ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે દેશની ચલણી નોટો પર ભગવાન ગણપતિ અને દેવી લક્ષ્મીજીની તસવીર મૂકવી જોઈએ. પત્રકારો સાથેની વાતચીતમાં કેજરીવાલે કહ્યું કે નવી ચલણી નોટો પર જો ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો મૂકીશું તો આપણો દેશ સમૃદ્ધ થશે.

કેજરીવાલે સ્પષ્ટતા કરી છે કે નવી ચલણી નોટો પર એક બાજુ મહાત્મા ગાંધીની તસવીર રાખીએ અને બીજી બાજુ આ બે દેવતાની તસવીર રાખીએ. આપણે જાણીએ છીએ કે ભગવાન અને દેવીમાતા જો આશીર્વાદ ન આપે તો આપણે ગમે તેટલી મહેનત કરીએ તો પણ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. હું વડા પ્રધાન મોદીને અપીલ કરું છું કે આપણી કરન્સી નોટો પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજીની તસવીરો મૂકવી જોઈએ. હું આ માટે એકાદ-બે દિવસમાં વડા પ્રધાનને પત્ર લખીને મોકલવાનો છું. ઈન્ડોનેશિયા મુસ્લિમ દેશ હોવા છતાં ત્યાંની ચલણી નોટો પર ગણપતિજીની તસવીર હોય છે. તો આપણે શા માટે એમ કરી ન શકીએ?