ન્યુ યોર્કઃ વોટ્સએપ છેલ્લા ઘણા દિવસોથી પ્રાઇવસી પોલિસીને લઈને ઘણી ચર્ચામાં છે, જેને લઈ મોટો ઊહાપોહ થયો છે. જેથી કંપનીએ એને મે મહિના સુધી ટાળી દીધી હતી, પરંતુ હવે કંપની એક વાર ફરી પ્રાઇવસી પોલિસી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. કંપની ટૂંક સમયમાં એક નવું અપડેટ યુઝર્સને મોકલશે, જેનો સ્વીકાર કર્યા પછી એપનો ઉપયોગ કરી શકાશે.
વોટ્સએપ નવેસરથી ખાનગી પોલિસી લાગુ કરશે અને એણે પહેલાં અપડેટનું અલર્ટ ફોનની સ્ક્રીન આપ્યું હતું અને યુઝર્સ નવી પોલિસી સ્વીકાર નહીં કરે તો અકાઉન્ટ બંધ કરવાની વાત કરવામાં આવી હતી. આનો ભારત સહિત કેટલાય દેશોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે વિરોધ વધતાં કંપનીએ આ પ્રાઇવસી પોલિસીનો અમલ આગળ વધારી દીધો હતો. જોકે હવે ફરી એક વાર એને લાગુ કરવાની વાત સામે આવી છે.
વળી, આ પોલિસી સ્વીકાર કર્યા વિના વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકાય. વોટ્સએપે નવા બ્લોગ દ્વારા જણાવ્યું હતું કે તે પોતાના પ્લેટફોર્મ પર ચેટ દ્વારા શોપિંગ કરવા અથવા વેપારીઓ સાથે જોડાવાનો નવો વિકલ્પ ડેવલપ કરી રહી છે. જોકે હાલમાં એવી ચેટ્સનું સિલેક્શન ઓપ્શનલ હશે, પરંતુ આવનારા સમયમાં ચેટ્સની ઉપર આ અપડેટનો રિવ્યુ કરવા માટે બેનર દેખાશે. ત્યાર બાદ યુઝર્સ એપનો વપરાશ કરતા રેહવા માટે અપડેટને સ્વીકાર કરવો પડશે. જોકે કંપની તરફથી પ્રાઇવેટ ચેટનો એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શનથી સુરક્ષિત રહેવાનો દાવો કરવામાં આવ્યો છે.
કંપનીના જણાવ્યા મુજબ કંપની બિઝનેસ ચેટ અને શોપિંગ સર્વિસ આપી રહી છે. પ્રત્યક દિવસે 10 લાખથી વધુ લોકો બિઝનેસ વોટ્સએપ ચેટ સાથે જોડાયેલા રહે છે. આ સર્વિસ કસ્ટમર સર્વિસ માનીને કંપની વેપારીઓ પાસેથી ચાર્જ લે છે.