‘એક-રાષ્ટ્ર, એક-ચૂંટણી’નું સૂચનઃ વડા ચૂંટણી કમિશનરનું મંતવ્ય…

નવી દિલ્હીઃ દેશમાં ચીજવસ્તુઓ પર જેમ એક જ, સમાન વેરો – ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ કરવામાં આવ્યો છે, તેમ સમગ્ર દેશમાં એક જ ચૂંટણી યોજવાની પ્રથા શરૂ કરવા અંગે છેલ્લા કેટલાક વખતથી ચર્ચા ચાલી રહી છે. વડા ચૂંટણી કમિશનર રાજીવકુમારે એ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું છે કે, ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પ્રથા અપનાવવાનો નિર્ણય પ્રશાસન (સંસદ)એ લેવાનો હોય. ચૂંટણી પંચ તો એનો નિર્ણય અમલમાં મૂકાવવાનું કામ કરે. આ વિષય સાથે અનેક તાર્કિક બાબતો સંકળાયેલી છે. એમાં ઘણા અવરોધો ઊભા થઈ શકે છે, પરંતુ એ નિર્ણય શાસકોએ લેવાનો છે. આ મામલે ચૂંટણી પંચ કોઈ આદેશ આપી ન શકે. પરંતુ, વહીવટીય રીતે એવી પરિસ્થિતિને ચૂંટણી પંચ કેવી રીતે સંભાળી શકે એ વિશે અમે અમારી સ્થિતિ એમને જણાવી દીધી છે… હવે નિર્ણય પ્રશાસને લેવાનો છે.’

ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ વડા ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રએ આ વર્ષના આરંભમાં એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નું સૂચન સરસ છે… પરંતુ, એ માટે દેશના બંધારણમાં ફેરફાર કરવો પડે અને એ નિર્ણય સંસદે લેવાનો રહે. બંધારણ અનુસાર, તમામ ચૂંટણીઓ સાથે જ યોજવી જોઈએ. આપણો દેશ આઝાદ થયો તે પછી સંસદીય ચૂંટણી યોજાતી આવી છે. પરંતુ ક્યારેક કોઈ વિધાનસભા કે ક્યારેક સંસદનું વિસર્જન કરાય તો ચૂંટણી કાર્યક્રમ ખોરવાઈ જતો હોય છે… એક રાષ્ટ્ર એક ચૂંટણીનો આઈડિયા સારો છે, પરંતુ એ નિર્ણય સંસદે લેવાનો રહે છે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રથાનું સૂચન અનેક વાર કરી ચૂક્યા છે. 2019માં 15મી ઓગસ્ટે દેશના આઝાદી દિવસે લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનમાં પણ એમણે કહ્યું હતું કે, ‘જીએસટી પ્રથાએ ‘એક રાષ્ટ્ર, એક ટેક્સ’નું સપનું સાકાર કર્યું છે. ભારતે ઊર્જા ક્ષેત્રમાં ‘એક રાષ્ટ્ર, એક ગ્રિડ’નો ધ્યેય પણ સિદ્ધ કરી બતાવ્યો છે. ‘એક રાષ્ટ્ર, એક મોબિલિટી કાર્ડ’ પદ્ધતિની વ્યવસ્થા પણ ચાલી રહી છે. હવે આપણે વાત કરવાની છે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી પ્રથાની.”