હવે પશ્ચિમ બંગાળે ય સીએએ વિરુધ્ધ પ્રસ્તાવ પસાર કર્યો

કોલકાત્તા:  નાગરિકતા સુધારા કાયદો(સીએએ) વિરુદ્ધ સોમવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ પ્રસ્તાવ પાસ થઈ ચૂક્યો છે. આ સાથે જ પશ્ચિમ બંગાળ હવે સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરનારું ચોથું રાજ્ય બની ચૂક્યું છે. આ પહેલાં કેરળ, પંજાબ અને રાજસ્થાન વિધાનસભામાં સીએએ વિરોધી પ્રસ્તાવ પાસ કરવામાં આવી ચૂક્યો છે.

 

વિધાનસભામાં રજૂ કરાયેલા પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારને સીએએ રદ્દ કરવા અને એનઆરસી તેમજ એનપીઆરની યોજનાઓને રદ્દ કરવાની અપીલ કરવામાં આવી છે. આ દરમ્યાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભામાં કહ્યું કે, આ પ્રદર્શન માત્ર અલ્પસંખ્યકોનું જ નહી પરંતું દરેકનું છે. આ આંદોલનનો સામનો કરવા માટે હું હિન્દુ ભાઈઓનો ધન્યવાદ કરું છું. પશ્ચિમ બંગાળમાં આપણે CAA, NRC, NPRને લાગૂ થવા નહી દઈએ. આપણે શાંતિપૂર્ણ લડત ચાલુ રાખીશું.

રાજ્યના સંસદીય કાર્ય મંત્રી પાર્થા ચેટર્જીએ ગૃહમાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે પાસ થઈ ગયો. ત્રણ રાજ્ય- કેરલ, રાજસ્થાન અને પંજાબ- નવા નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પહેલા જ પાસ કરી ચુક્યા છે. આ કાયદો રાજ્યમાં સત્તામાં રહેલી ટીએમસી અને વિપક્ષી ભાજપ વચ્ચે વિવાદનો નવો મુદ્દો બનીને ઉભર્યો છે. એક તરફ જ્યાં તૃણમૂલ કોંગ્રેસ વિવાદિત કાયદાનો વિરોધ કરી રહી છે. તો બીજીતરફ ભાજપ તેને લાગૂ કરવા પર ભાર આપી રહ્યું છે.

ટીએમસી પ્રમુખે કહ્યું કે, અમારી સરકારમાં દિલ્હીમાં એનપીઆરની બેઠકમા સામેલ ન થવાનું સાહસ છે અને જો ભાજપ ઈચ્છે તો અમારી સરકારને બર્ખાસ્ત કરી શકે છે. મુખ્યમંત્રીના જવાબ પછી સદનમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો.