કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં આજે કરાયેલી મતગણતરીમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીનાં વડપણ હેઠળની તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ બહુમતી સાથે વિજય હાંસલ કર્યો છે. કુલ 292 બેઠકોની થયેલી ચૂંટણીમાં ટીએમસીના ઉમેદવારો 215 બેઠકો પર વિજયી થયા છે. ટીએમસીને પડકાર ફેંકનાર ભારતીય જનતા પાર્ટીએ હાર સ્વીકારી લીધી છે. તેના 75 ઉમેદવારો જીત્યા છે. જોકે મમતા બેનરજીનો નંદીગ્રામ બેઠક પરથી વિવાદાસ્પદ રીતે પરાજય થયો છે. ભાજપના સુવેન્દુ અધિકારીએ એમને 1,736 વોટથી હરાવ્યા છે, પરંતુ મમતા બેનરજીએ નિર્ણયને ચૂંટણી પંચ અને અદાલતમાં પડકારશે એવો અહેવાલ છે. ડાબેરી મોરચા તથા અન્યોએ એક-એક સીટ કબજે કરી છે. મમતા બેનરજી અને એમની ટીએમસી પાર્ટી બે મુદતથી – દસ વર્ષથી બંગાળમાં શાસન કરી રહ્યાં છે.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મમતા બેનરજી અને એમનાં પક્ષને બંગાળની ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન આપ્યા છે.