પાંચ વિધાનસભા-ચૂંટણીમાં આજે પરિણામઃ બંગાળમાં ટીએમસી-બીજેપી વચ્ચે ટક્કર

કોલકાતાઃ ચાર રાજ્યો – પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુ તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી માટે માર્ચ-એપ્રિલમાં થઈ ગયેલા મતદાન બાદ જે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. આજે પાંચેય સ્થળે પરિણામ જાહેર થશે. ચૂંટણી પંચે કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો રોકવા માટે લાગુ કરેલા નિયંત્રણોના પાલન સાથે મતગણતરીની કામગીરી શરૂ કરાવી છે. પાંચેય રાજ્ય-પ્રદેશમાં 2,364 મતગણતરી હોલ તૈયાર કરવામાં આવ્યા છે. 95,000થી વધારે અધિકારીઓ-કર્મચારીઓ, નિરીક્ષકો કામગીરીમાં જોડાયાં છે. માર્ચની 27થી એપ્રિલની 29 સુધી વિવિધ તબક્કાઓમાં મતદાન યોજવામાં આવ્યું હતું. શરૂઆતના ટ્રેન્ડ્સમાં, બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમુલ કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રસાકસી જોવા મળી હતી. તામિલનાડુમાં ડીએમકે પાર્ટી સરસાઈમાં હતી. આસામમાં શાસક ભાજપ સરસાઈમાં હતો. કેરળમાં, શાસક એલડીએફ અને યૂડીએફ વચ્ચે રસાકસી હતી.

એક્ઝિટ પોલ અનુસાર, તામિલનાડુમાં ડીએમકેની આગેવાની હેઠળ પક્ષોના જોડાણની જીતની આગાહી કરવામાં આવી છે જ્યારે કેરળમાં એલડીએફ સત્તા જાળવી રાખશે, આસામમાં ભાજપની આગેવાની હેઠળનું એનડીએ જૂથ તેની સત્તા જાળવી રાખશે, બંગાળમાં મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ પાર્ટી સતત ત્રીજી વાર સત્તા સંભાળશે અને પુડુચેરીમાં ભાજપની જીતની આગાહી કરાઈ છે. આજે સાથોસાથ, ચાર લોકસભા બેઠક અને જુદા જુદા રાજ્યોમાં 12 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ મતગણતરી આજે ચાલુ કરાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]