‘યૂક્રેનમાંથી આપણા બધાં લોકોને પાછાં લાવી દીધા’

પુણેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે યુદ્ધમાં સપડાયેલા યૂક્રેનમાંથી પોતાનાં નાગરિકોને ઉગારવામાં મોટાં દેશોને પણ તકલીપ પડી રહી છે, ત્યારે આપણા દેશે હજારો વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક ઉગારી લીધાં છે.

પુણેની સિમ્બાયોસિસ યૂનિવર્સિટીના સુવર્ણ જયંતી ઉજવણી કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે આપણે કોરોનાવાઈરસ બીમારીનો પણ સફળતાપૂર્વક સામનો કર્યો અને હવે યૂક્રેનમાંની પરિસ્થિતિનો પણ. આપણે આપણા નાગરિકોને સુરક્ષિત રીતે ઉગારી લીધા છે. આ કામ કરવામાં મોટા દેશોને પણ તકલીફ પડી છે, પરંતુ ભારતે જોરદાર બળ લગાવ્યું અને હજારો વિદ્યાર્થીઓને ઉગારી લીધાં.

ઉલ્લેખનીય છે કે, રશિયાએ તેના પડોશી દેશ યૂક્રેન પર લશ્કરી આક્રમણ શરૂ કર્યા બાદ યૂક્રેનમાં ભણવા ગયેલાં હજારો ભારતીય નાગરિકો, જેમાં મોટાં ભાગનાં વિદ્યાર્થીઓ હતાં, એમને હેમખેમ ઉગારવા માટે કેન્દ્ર સરકારે 26 ફેબ્રુઆરીથી ‘ઓપરેશન ગંગા’ આદર્યું હતું. તે અંતર્ગત અસંખ્ય ચાર્ટર્ડ ફ્લાઈટ્સ દ્વારા ભારતીય નાગરિકોને હેમખેમ સ્વદેશ પાછાં લાવવામાં આવ્યા છે. આ કામગીરીઓની દેખરેખ રાખવા માટે વડા પ્રધાન મોદીએ એમના ચાર પ્રધાનોને ખાસ નિયુક્ત કર્યા હતા – હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, વી.કે. સિંહ અને કિરન રીજીજુ.