મોદી સરકારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ-કાયદા પાછા ખેંચ્યા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગા સંબોધનમાં જાહેરાત કરી છે કે એમની સરકારે વિવાદાસ્પદ બનેલા ત્રણેય સુધારિત કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. મોદીએ કહ્યું કે આ મહિનાના અંતમાં શરૂ થનારા સંસદના નવા, શિયાળુ સત્રમાં આ ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાની બંધારણીય પ્રક્રિયાને અમે પૂરી કરી દઈશું.

વડા પ્રધાન મોદીની આ જાહેરાત સાથે છેલ્લા અનેક મહિનાઓથી આ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીના સરહદીય વિસ્તારોમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને મોટી રાહત થશે.

 

મોદીએ આ કાયદાઓ સામે આંદોલન કરનારા ખેડૂતોને અપીલ કરી હતી કે તેઓ હવે આંદોલનનો અંત લાવી દઈને પોતપોતાનાં ઘેર પાછાં ફરે, એમનાં ખેતરોમાં પાછાં ફરે, એમનાં પરિવારો પાસે પાછાં ફરે. ચાલો, આપણે સાથે મળીને એક નવી શરૂઆત કરીએ, નવી રીતે આગળ વધીએ.

મોદીએ એમ પણ કહ્યું કે, અમારી સરકાર કાયમ ખેડૂતોનાં હિતમાં સતત નવા નવા પગલાં લઈ રહી છે. એમની આર્થિક સ્થિતિ સુધરે, એમની સામાજિક સ્થિતિ મજબૂત થાય એ માટે સરકાર પૂરી ઈમાનદારીથી કામ કરી રહી છે. પરંતુ ત્રણ કૃષિ કાયદા વિશે કેટલાક ખેડૂતોની નારાજગી રહી. અમે એમને સમજાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. હવે હું દેશની ક્ષમા માગું છું કે અમારી તપસ્યામાં જ કોઈક કમી રહી ગઈ હશે કે અમે કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા નથી. આ સમય કોઈને દોષ દેવાનો નથી.