ઉનાળા પહેલાં બેંગલુરુમાં પાણીના ધાંધિયાઃ CMને ત્યાં જળસંકટ

બેંગલુરુઃ કર્ણાટના હાઇટેક શહેર બેંગલુરુ જળસંકટથી ઝઝૂમી રહ્યું છે. ક્યારેક ગાર્ડન સિટીને નામે ઓળખાતું શહે ટીપેટીપાં માટે તરસી રહ્યું છે. આ માત્ર બેંગલુરુ માટે ચિંતાનો વિષય નથી, પણ દેશઆખા માટે એક મોટો સબક છે. શહરનો એક મોટો હિસ્સો ટેન્કરો પર નિર્ભર છે.

અહીં લાખો લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. સોસાયટીઓ અને કોલોનીઓમાં પાણીની બહુ ખેંચ છે, જેથી ટેન્કરોથી પાણી મગાવવામાં આવી રહ્યું છે, તેમ છતાં પાણીની જરૂરિયાત પૂરી નથી થતી.

મુખ્ય મંત્રી નિવાસસ્થાને પણ પાણીની ખેંચ વર્તાવા માંડી છે. તેમના નિવાસસ્થાને પણ ટેન્ક આવ-જા કરી રહ્યાં છે. સરકાર લોકોની સમસ્યાને ઉકેલવા પ્રયાસ કરી રહી છે.

શહેરની એક હાઉસિંગ સોસાયટીમાં ગંભીર જળસંકટને પગલે પાણીના દુરુપયોગ પર રૂ. 5000નો દંડ લગાવવાની નોટિસ જારી કરવામાં આવી છે. આવી નોટિસ અનેક સોસાયટીઓમાં જારી કરવામાં આવી રહી છે. આ સ્થિતિ પર નજર રાખવા એક વિશેષ સુરક્ષા કર્મચારીને તહેનાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અનેક હાઉસિંગ સોસાયટીઓમાં રહેવાસીઓને દૈનિક પાણીના ઉપયોગમાં સાવધાની વર્તવાની સલાહ આપવામાં આવી છે. શહેરના પ્રભાવિત વિસ્તારોમાં વ્હાઇટફીલ્ડ, યેલહંકા અને કનકપુરા સામેલ છે.

શહેરવાસીઓને દિવસદીઠ 3000 મિલિયન લિટર પાણીની જરૂર છે, પરંતુ તેમને કાવેરી નદીથી 1450 મિલિયન લિટર પાણી જ મળી રહ્યું છે. આવામાં શહેરવાસીઓને પ્રતિ દિન 1680 મિલિયન લિટર પાણીની ખેંચનો સામનો કરવો પડે છે.

રાજ્યના ઉપ મુખ્ય મંત્રી ડી. શિવકુમારે રાજ્યમાં જળ ટેન્કરોના માલિકોને સાત માર્ચ સુધી ટેન્કરોના રજિસ્ટ્રેશનનો આદેશ આપ્યો છે, અન્યથા તેમના ટેન્કર જપ્ત કરવામાં આવશે. મહાનગરપાલિકાના મુજબ બેંગલુરુમાં કુલ 3500 પાણીનાં ટેન્કરોમાંથી માત્ર 10 ટકા (219 ટેન્કરો)એ જ રજિસ્ટ્રેશન કરાવ્યાં છે.