ખુશખબર… ત્રણ દિવસ પછી ‘વિક્રમ લેન્ડર’ સાથે સંપર્ક થવાની શક્યતા છે

બેંગલુરુ – ભારતના ચંદ્રયાન-2 અવકાશયાનને શનિવારે વહેલી સવારે ચંદ્રમાની ધરતી પર ઉતરતું જોવા ન મળ્યું એનાથી ભારતવાસીઓ નિરાશ થઈ ગયા છે, પણ અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન રિસર્ચ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નાં ચેરમેન કે. સિવને મિશન સફળ રહેવા વિશેની આશા હજી છોડી નથી. એમણે કહ્યું છે કે ચંદ્રયાન-2 મિશન 90-95 ટકા સફળ રહ્યું છે. આપણે આને મિશનની નિષ્ફળતા કે ધક્કો સમાન ગણવું ન જોઈએ.

ઉલ્લેખનીય છે કે, શનિવારે વહેલી સવારે લગભગ દોઢથી અઢી વાગ્યાની આસપાસના સમયે લક્ષ્યની નજીક પહોંચીને ચંદ્રયાન-2 પરનું વિક્રમ લેન્ડર અચાનક આકાશમાં ગાયબ થઈ જતાં ઈસરોનાં વિજ્ઞાનીઓ તથા ભારતવાસીઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી. પરંતુ હવે ઈસરોનાં એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે વિક્રમ લેન્ડર ક્યાં છે એની ખબર આવતા ત્રણ દિવસમાં મળી જશે.

અમુક વિજ્ઞાનીઓ વિક્રમ લેન્ડરનો હવે ક્યારેય સંપર્ક થઈ નહીં શકે એવું કહે છે તો અમુક વિજ્ઞાનીઓને ચમત્કાર થવાની આશા છે.

એક વિજ્ઞાનીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે ઈસરો પાસે જે ડેટા ઉપલબ્ધ છે તે મુજબ ચંદ્રની ધરતી પર વિક્રમ લેન્ડરના ઉતરાણની જગ્યા નિશ્ચિત કરવામાં આવી હતી. પરંતુ આખરી ક્ષણોમાં – ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિ.મી. દૂરના અંતરે લેન્ડર ક્યાંક ગાયબ થઈ ગયું હતું. એનો ઈસરોના કન્ટ્રોલ સેન્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

વિક્રમ લેન્ડર આકાશમાં ગૂમ થઈ ગયું છે કે લેન્ડિંગ સાઈટની આસપાસમાં જ છે? એની સાથે હજી પણ સંપર્ક થઈ શકે છે? ‘પ્રજ્ઞાન’ રોવર હજી પણ સક્રિય છે અને ‘પ્રજ્ઞાન’ રોવર સાથે સંપર્ક કરીને કંઈક જાણકારી મેળવી શકાય એમ છે? આ સવાલોનાં જવાબ આગામી દિવસોમાં મળવાની સંભાવના છે એવું ઈસરોનાં અમુક વિજ્ઞાનીઓ કહે છે.

ચંદ્રયાન-2નું ઓર્બિટર હજી પણ ચંદ્રમા ફરતે ચક્કર લગાવી રહ્યું છે. વિક્રમની લેન્ડિંગ સાઈટની સીધી લાઈનમાં પહોંચતા ઓર્બિટરને લગભગ ત્રણેક દિવસનો સમય લાગશે. ઓર્બિટરના હાઈ-રિઝોલ્યૂશન કેમેરા ચંદ્રમાની સપાટીથી દસ મીટર અંદર સુધીની જાણકારી આપવામાં સક્ષમ છે. તેથી એવી શક્યતા છે કે તે વિક્રમ લેન્ડર વિશેની પણ જાણકારી આપશે જ. જો વિક્રમની સાથે પ્રજ્ઞાન રોવ પણ ક્રેશ થયું નહીં હોય તો ઓર્બિટર એની પાસેથી જાણકારી પ્રાપ્ત કરી શકશે. જો ખરેખર એવું થશે તો ખગોળવિજ્ઞાનમાં એક ચમત્કાર થયો ગણાશે.

ઈસરોનાં ચેરમેન સિવને કહ્યું છે કે અમે વિક્રમ લેન્ડર સાથે 14 દિવસ સુધી સંપર્ક કરવાની કોશિશ કરતા રહીશું. 14 દિવસોમાં કંઈક ખુશખબર મળવાની આશા છે.

સિવને એમ પણ કહ્યું છે કે ઓર્બિટરનું આયુષ્ય અગાઉ કહેવામાં આવ્યું છે તેમ એક વર્ષનું નથી, પણ સાત વર્ષ કરતાં પણ વધારે છે. એમાં હજી પણ ઘણું ઈંધણ છે તે એમાં બેસાડવામાં આવેલા ઉપકરણોની મદદથી વિક્રમ લેન્ડરનો સંપર્ક સાધી શકાય એમ છે.