પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પોતાનો એર સ્પેસ ખોલવાની પાડી ના

ઈસ્લામાબાદ- પાકિસ્તાન એક તરફ જીવનરક્ષક દવાઓ માટે ભારત પાસે મદદ માગી રહ્યું છે, તો બીજી તરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પોતાનો એરસ્પેસ ખોલવાની ના પાડી દીધી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ શનિવારે કહ્યું છે કે, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા પાકિસ્તાન ભારતને પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી નથી આપતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારેથી 17 સપ્ટેમ્બર સુધી આઈસલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયાની મુલાકાતે જવાના છે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ભારત સરકારે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરવા માટે મંજૂરી માંગી હતી. આ અરજી તેમના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિદેશ પ્રવાસ વિશે તે હતી. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ભારતને તેમના એરસ્પેસના ઉપયોગની મંજૂરી આપી નથી. શાહ મહમૂદ કુરૈશીએ પાકિસ્તાનની સરકારી ટીવી ચેનલ પીટીવીને એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, વડાપ્રધાન ઈમરાન ખાને આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે, કશ્મીર મુદ્દે તણાવપૂર્ણ સ્થિતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે ત્રણ દેશની વિદેશ યાત્રા પર જવાના છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આઈસલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયાની મુલાકાતે સોમવારે નીકળવાના છે. રાષ્ટ્રપતિ આ યાત્રામાં આ દેશોની સાથે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે ચર્ચા વિચારણાં કરશે. તે સિવાય આ દેશો સાથે વેપાર સહિત દ્વીપક્ષીય મુદ્દા ઉપર પણ વાત થશે.

પાકિસ્તાનમાં ઉઠી રહી માગ, ભારત માટે સંપૂર્ણ રીતે બંધ થાય એરસ્પેસ

મહત્વનું છે કે, જમ્મુ-કશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ થયા બાદથી ઈમરાન ખાન સરકાર પર ત્યાંના વિપક્ષી દળો અને કેટલાક મંત્રીઓ તરફથી ભારત માટે તેમનો એરસ્પેસ બંધ કરી દેવાનું દબાણ છે. જોકે, પાકિસ્તાને ભારત માટે પોતાનો એરસ્પેસ સંપૂર્ણ રીતે બંધ કરવાને લઈને હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો. કુરેશીએ પીટીવીને કહ્યું કે, નવી દિલ્હીનું કશ્મીર પર સખ્ત વલણ એક ગંભીર મુદ્દો છે અને પાકિસ્તાન આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ઉઠાવશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]