‘વિક્રમ’ લેન્ડરનો પતો લાગ્યો, ઓર્બિટરે ચંદ્રની ધરતી પર જ શોધી કાઢ્યું

બેંગલુરુ – ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ના ચેરમેન કે. સિવને ચંદ્રયાન-2 મિશન અંગે આજે મોટી જાણકારી આપી છે.

એએનઆઈ સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ, સિવને કહ્યું છે કે, ‘અમે ‘વિક્રમ’ લેન્ડરને ચંદ્રમાની ધરતી પર જોયું છે અને ઓર્બિટરે એક થર્મલ તસવીર ક્લિક કરી છે.’

સિવને કહ્યું છે કે ઓર્બિટરે અમને વિક્રમ લેન્ડરની એક તસવીર મોકલી છે. એ ચંદ્રની ધરતી પરની છે. અમે ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. લેન્ડર સાથે હજી અમારો સંપર્ક સધાયો નથી, પરંતુ આ તસવીર પરથી જાણી શકાશે કે લેન્ડર ચંદ્રની ધરતી પર કઈ બાજુએ છે અને ત્યારબાદ ટૂંક સમયમાં જ અમે લેન્ડરનો સંપર્ક કરી શકીશું.

ઉલ્લેખનીય છે કે વિક્રમ લેન્ડર ગયા શનિવારે વહેલી સવારે 1.53 વાગ્યે ચંદ્રની ધરતી પર દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવાનું હતું. સોફ્ટ લેન્ડિંગ માટે એ માત્ર 2.1 કિલોમીટર દૂર હતું ત્યારે જ એની સાથેનો ઈસરો કન્ટ્રોલિંગ કેન્દ્રનો સંપર્ક તૂટી ગયો હતો. એને કારણે વિજ્ઞાનીઓમાં નિરાશા જરૂર વ્યાપી ગઈ હતી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને ધરપત આપી હતી કે આપણે આશા રાખીએ કે લેન્ડરનો પતો લાગશે અને આપણને ટૂંક સમયમાં જ ખુશખબર પ્રાપ્ત થશે.

શનિવારે વહેલી સવારે જ્યારે વિક્રમનો સંપર્ક અચાનક તૂટી ગયા બાદ બેંગલુરુ સ્થિત ઈસરો મિશન કન્ટ્રોલે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ના મેડ્રિડ સ્થિત ડીપ સ્પેસ નેટવર્ક સેન્ટરની લિન્ક્સ તેમજ મોરિશ્યસમાં ભારતીય મથકની લિન્ક્સને પણ સર્ચ કરી હતી, પરંતુ બંને જગ્યાએ કોઈ લિન્ક્સ ન મળતાં આખરે ઈસરોના વડા સિવને જાહેરાત કરી હતી કે લેન્ડર વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

ઓર્બિટરમાં SAR (સિન્થેટિક અપર્ચર રડાર), IR સ્પેક્ટ્રોમીટર અને કેમેરા લગાડવામાં આવ્યા છે. એ કેમેરાની મદદથી ઓર્બિટર 10×10 કિલોમીટર સુધીના વિસ્તારને આવરી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]