ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ માર્ગારેટ અલ્વા વિપક્ષી ઉમેદવાર

નવી દિલ્હીઃ પીઢ કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન માર્ગારેટ અલ્વાને દેશના ઉપરાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણી માટે વિરોધપક્ષના ઉમેદવાર તરીકે આજે ઘોષિત કરવામાં આવ્યાં છે. અલ્વાએ ટ્વિટરના માધ્યમથી પોતાની પસંદગીનો સ્વીકાર કર્યો છે અને વિપક્ષી નેતાઓનો આભાર માન્યો છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાને આજે યોજવામાં આવેલી વિરોધપક્ષોની એક બેઠકમાં અલ્વાને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં. કર્ણાટકનાં વતની માર્ગારેટ ઉત્તરાખંડ અને રાજસ્થાનનાં ભૂતપૂર્વ રાજ્યપાલ છે. તેઓ ચાર વખત રાજ્યસભાનાં સદસ્ય અને એક વાર (1999માં) લોકસભાનાં સદસ્ય તરીકેનો અનુભવ ધરાવે છે. તેઓ સ્વ. રાજીવ ગાંધી અને સ્વ. નરસિંહરાવની સરકારોમાં કેબિનેટ પ્રધાન હતાં. પ્રદીર્ઘ રાજકીય અનુભવ અને પ્રશાસન પર ઉત્તમ પકડ તથા કાયદાના જ્ઞાન ધરાવતાં નેતા તરીકે તેઓ જાણીતાં છે. અલ્વાનો મુકાબલો શાસક ભાજપ-એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ સાથે છે, જેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે. હાલના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની મુદત 10 ઓગસ્ટે પૂરી થાય છે. આ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 19 જુલાઈ છે અને 6 ઓગસ્ટે ચૂંટણી યોજાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]