રાજસ્થાનમાં ભાજપના CMની પસંદગીના સસ્પેન્સ વચ્ચે વસુંધરા રાજે દિલ્હીમાં

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતી સાથે જીતીને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના હાથમાંથી સત્તા આંચકી લીધી છે. હવે મુખ્ય પ્રધાન પદ પર કોને બેસાડવા તે વિશે પાર્ટીમાં મનોમંથન ચાલે છે. મુખ્ય પ્રધાનના પદ માટે દાવેદાર ઉમેદવારોમાંના એક છે, વસુંધરા રાજે. તેઓ ભૂતકાળમાં બે વખત રાજ્યનાં CM તરીકે રહી ચૂક્યાં છે. તેઓ ગઈકાલે સાંજે આ રાષ્ટ્રીય પાટનગરમાં આવી પહોંચ્યાં હતાં. તેને પગલે રાજસ્થાનમાં CM પદ માટેની રેસનો મામલો વધારે દિલચસ્પ બન્યો છે.

વસુંધરા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યાં ત્યારે પત્રકારો એમને મળ્યા હતા અને એમની દિલ્હી મુલાકાત વિશે સવાલ પૂછ્યો હતો. વસુંધરાએ જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે, ‘હું મારી પુત્રવધૂને મળવા અહીંયા આવી છું.’ ઝાલરાપાટન મતવિસ્તારમાંથી ચૂંટણી જીતનાર વસુંધરા રાજે 2003-2008 અને 2013-2018, એમ બે વખત રાજ્યનાં મુખ્ય પ્રધાન બન્યાં હતાં અને પાંચ વર્ષની મુદત પૂરી કરી હતી.

CM પદ મેળવવા માટે વસુંધરા રાજે સામે હરીફાઈમાં આ ત્રણ નેતાઓ છેઃ દિયાકુમારી (વિદ્યાધર નગર બેઠકનાં વિધાનસભ્ય), મહંત બાલકનાથ (તિજારા બેઠક) અને રાજ્યવર્ધનસિંહ રાઠોર (જોટવાડા). ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સમાપ્ત થયેલી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 199માંથી 115 બેઠકો જીતી છે. કોંગ્રેસને ફાળે 69 બેઠક આવી છે.