ચેન્નાઈના પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ દળે હજારો કિલોગ્રામ રાહત સામગ્રી એર-ડ્રોપ કરી

ચેન્નાઈઃ વાવાઝોડા ‘મિચૌંગ’ને કારણે તૂટી પડેલા અતિ ભારે વરસાદને કારણે તામિલનાડુના રાજધાની શહેર ચેન્નાઈના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે. જનજીવન સાવ ઠપ થઈ ગયું છે. ઈન્ટરનેટ સેવા પણ બંધ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાઈ ગયેલાં લોકોની મદદે ભારતીય હવાઈ દળ આવ્યું છે. તેણે તામિલનાડુ સરકારના સંપર્કમાં રહીને રાહતકાર્ય પૂરજોશમાં હાથ ધર્યું છે. જવાનોએ હેલિકોપ્ટરોમાંથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 2,300 કિલોગ્રામ વજનની રાહત સામગ્રી ઉતારી છે. ચેન્નાઈના ઘણા ખરા વિસ્તારોમાં ડૂબાણ હેઠળ આવી જતાં દૂધ, પીવાનું પાણી, બ્રેડ, બિસ્કીટ તથા અનાજ-કઠોળ, શાકભાજીનું વેચાણ ઠપ થઈ ગયું છે અને જૂજ લોકો તે અતિશય ઊંચા ભાવે વેચી રહ્યાં છે.

(તસવીર સૌજન્યઃ @tracomiaf)

ગઈ કાલે વહેલી સવારથી લઈને સૂર્યાસ્ત સુધીમાં હવાઈ દળે ચાર ચેતક હેલિકોપ્ટરની મદદથી દક્ષિણ ચેન્નાઈના મેદાવાક્કમ અને પુઝુદીવાક્કમ મેટ્રો સ્ટેશન વચ્ચેના આઠ સ્થળે, ઉત્તર ચેન્નાઈમાં મનાલી પેટ્રો કેમિકલ્સથી ઈનર રિંગ રોડ પરના નપ્પાલાયમ સુધીના આઠ લોકેશન્સમાં, પશ્ચિમી ચેન્નાઈમાં તમ્બારમ, મુદીચુર, વેલાચેરી, પલ્લીકરનાઈ વિસ્તારોમાં રાહતસામગ્રીઓ એર-ડ્રોપ કરી હતી.