નેતાઓને પેન્શન છોડવાની વરુણ ગાંધીએ અપીલ કરી

નવી દિલ્હીઃ પીલીભીતથી ભાજપના સંસદસભ્ય વરુણ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે અલ્પાવધિની સેવા કરવાવાળા અગ્નિવીર પેન્શનના હકદાર નથી તો આ સુવિધા જન પ્રતિનિધિઓ માટે કેમ હોવી જોઈએ? તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે રાષ્ટ્ર રક્ષકોને પેન્શનના અધિકાર નથી તો હું પણ પેન્શન છોડવા તૈયાર છું. શું અમે વિધાનસભ્ય-સંસદસભ્યો પોતાનું પેન્શન છોડીને એ સુનિશ્ચિત કરી શકીએ કે અગ્નિવીરોને પેન્શન મળે?

વરુણ ગાંધી આ પહેલાં પણ યોજનાની સામે પોતાનો અવાદ બુલંદ કરતા રહ્યા છે. તેઓ યોજનાની જોગવાઈઓની સામે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહને એક પત્ર પણ લખી ચૂક્યા છે. આ પહેલાં તેમણે અગ્નિપથ સુરક્ષા ભરતી યોજનાના વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ટેકો જાહેર કર્યો હતો, પણ તેમણે અહિંસાના માર્ગે ચાલવાનો આગ્રહ કર્યો હતો.એ વખતે તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે જ્યારે ખેડૂત અધિકારો માટે રસ્તા પર ઊતરી આવે છે, ત્યારે તેઓ ખાલિસ્તાની હતા. હવે યુવા સેનામાં ભરતી માટે રસ્તા પર આવ્યા છે તો એ જેહાદી છે. આ યુવા ભારત માતાની સેવાની ભાવનાથી દધિચિની જેમ હાડકાંઓને ઓગાળે છે અને પછી તેમને સેનામાં નોકરી મળે છે. લોકતંત્રમાં શાંતિપૂર્ણ પ્રદર્શન દરેક જણનો અધિકાર છે.

https://twitter.com/varungandhi80/status/1540190504054165504

કેન્દ્ર દ્વારા 14 જૂને શરૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજના પર ગાંધી સવાલ ઉઠાવી રહ્યા છે. આ યોજનામાં ચાર વર્ષ માટે યુવા સૈનિકોની ભરતી કરીને અને તેમનામાંથી 75 ટકાને પેન્શન અને આરોગ્ય લાભ આપ્યા વગર સેવા નિવૃત્ત થવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે તેમને રૂ. 11.70 લાખના પેકેજનું આશ્વાસન આપવામાં આવ્યું છે.