કાનપુર: બિકરુ હત્યાકાંડના મુખ્ય આરોપી ગેંગસ્ટર વિકાસ દુબેનું શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં મોત થયું. એન્કાઉન્ટર કાનપુરથી માત્ર 17 કિમી દૂર ભૌતી નામની જગ્યાએ સવારે 6.15થી 6.30ની વચ્ચે થયું હતું. મહત્વનું છે કે ગત 2 જુલાઈની રાતે બિકરુ ગામમાં વિકાસ અને તેની ગેંગે પોલીસ ટૂકડી પર હુમલો કર્યો હતો. તેમાં 8 પોલીસકર્મીઓના મોત થયા હતા.
વિકાસ દૂબે એન્કાઉન્ટર મામલા પર હવે રાજકારણ ગરમાયું છે. તેના એન્કાઉન્ટરને લઈને વિરોધપક્ષના નેતાઓ દ્વારા સવાલો ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધી, રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સહિતના નેતાઓએ ટ્વીટ કરી ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપ સરકાર અને એની પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી-વાડ્રાએ કહ્યુ કે ‘ગુનેગારનો તો અંત થઈ ગયો, પણ અપરાધ અને તેને રક્ષણ આપનારા લોકોનું શું?’
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધતા ટ્વીટમાં કહ્યું કે કાર પલ્ટી નહોતી ખાઈ ગઈ, રહસ્યો ખૂલવાથી રાજ્ય સરકાર પલટવામાંથી બચી ગઇ છે. જેને પગલે રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, લોકોએ પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે વિકાસ દુબેનું એન્કાઉન્ટર થશે. તેમણે કેટલાક સવાલ ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસને ટ્વીટ મારફતે કર્યા છે.
રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરીએ એન્કાઉન્ટરમાં વિકાસ દુબેની મોત બાદ કહ્યું કે વિકાસ દુબે એન્કાઉન્ટર બાદ દેશના તમામ ન્યાયાધીશોએ રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપના ‘ઠોક દો’ શાસનમાં અદાલતોની જરુર નથી.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યુ કે એ જાણવું જરુરી છે કે વિકાસ દુબેએ મધ્ય પ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરને આત્મસમર્પણ માટે કેમ પસંદ કર્યુ? મધ્ય પ્રદેશના કયા પ્રભાવશાળી વ્યક્તિના ભરોસે તે અહીં ઉત્તર પ્રદેશ પોલીસના એન્કાઉન્ટરથી બચવા માટે આવ્યો હતો?
ટીએમસીની સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું કે, ન્યાય આપવાનું કામ અદાલતનું છે. પોલીસનું કામ આરોપીને કોર્ટમાં રજૂ કરવાનું છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, બીજેપી સરકાર બંનેમાં કન્ફ્યુઝ થઈ રહી છે.