નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આરોપ લગાવ્યો કે જ્યારે તે પીએમ મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીએ કરેલા અભદ્ર ભાષાના પ્રયોગ બદલ લોકસભામાં તેની નિંદા કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સાંસદ તેમની બેઠક વ્યવસ્થા નજીક આવીને તેમના હુમલો તેમજ ડોક્યુમેન્ટ ખેંચવાનો પ્રયાસ કરવા લાગ્યા.
મહત્વનું છે કે, લોકસભામાં શુક્રવારે સત્ર શરૂ થયાની થોડીવારમાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો. ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. હકીકતમાં લોકસભામાં રાહુલ ગાંધીએ વાયનાડ વિશે સવાલ પૂછ્યા હતા. ત્યારપછી જવાબ આપવા માટે ઉભા થયેલા સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે- રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપવામાં આવે તે પહેલાં તેમણે કોઈ પણ શરત વગર ગૃહની માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે, સમગ્ર ગૃહે એક સ્વરમાં વડાપ્રધાન વિરુદ્ધ તેમણે વાપરેલા શબ્દોની નિંદા કરવી જોઈએ. આ બાબતે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. અને કોંગ્રેસના મણિક ટાગોર હર્ષવર્ધનની નજીક પહોંચી ગયા હતા. અને તેમના હાથમાંથી ડોક્યુમેન્ટ ખેંચવાનો પ્રયત્ન કર્યો.
ભાજપ સાંસદ જગદમ્બિકા પાલે કહ્યું- કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન ભાષણમાં રાહુલ ગાંધીના વડાપ્રધાનના નિવેદન વિશે નિંદા કરી રહ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસ સાંસદ મણિક ટાગોર તેમની તરફ દોડ્યા. લોકતંત્ર માટે આ ખૂબ ખરાબ વાત છે. જોકે રાહુલ ગાંધીએ આ વિશે ખુલાસો આપતા કહ્યું કે, ગૃહમાં અમને અમારી વાત રજૂ ન કરવા દીધી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ સાંસદ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વાતનો પણ ઈન્કાર કર્યો. અંતે ગૃહમાં હંગામો એટલી હદે વધી ગયો કે, સદનની કાર્યવાહી આજના દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી.