નવી દિલ્હીઃ સંસદભવનની સુરક્ષા વ્યવસ્થા ભંગ થવાની ગઈ કાલની ઘટના બાદ આજે લોકસભા ગૃહમાં રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ, વિપક્ષી સંસદસભ્યો દ્વારા ગૃહની અંદર અને બહાર ઉહાપોહ આખો દિવસ ચાલુ રહ્યો હતો. વિપક્ષી સભ્યોના હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે બે વાગ્યે અને પછી 3 વાગ્યે અને પછી દિવસભર માટે સ્થગિત કરી દેવી પડી. શાંતિ જાળવવાની વારંવાર ચેતવણી આપવા છતાં લોકસભામાં ઘોંઘાટ ચાલુ રાખવા બદલ પહેલા કોંગ્રેસના પાંચ સભ્યોને અને પછી 9 સભ્યોને, એમ કુલ મળીને 14 સભ્યોને વર્તમાન સત્રના બાકીના હિસ્સામાં ભાગ લેવામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
વિપક્ષી સભ્યોએ ગુપ્તચર તંત્રની નિષ્ફળતા બદલ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. એમને ઘોંઘાટ ન કરવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ તેમણે એ સતત ચાલુ રાખ્યો હતો. આખરે લોકસભા સચિવાલયે કોંગ્રેસના પાંચ સભ્યો સામે પગલું ભર્યું હતું અને એમને વર્તમાન શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
કોંગ્રેસના આ પાંચ સભ્યો છેઃ ટી.એન. પ્રતાપન (થ્રિસૂર, કેરળ), ડીન કુરિયાકોસ (ઈડુકી, કેરળ), રામ્યા હરિદાસ (અલાથૂર, કેરળ), સેન્નીમલાઈ જોતિમણિ (કારુર, તામિલનાડુ) અને હિબી એડન (એર્ના્કુલમ, કેરળ). આ પાંચેયને બાકીના સત્રમાંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ રજૂ કર્યો હતો. એમણે પોતાના આરોપમાં કહ્યું હતું કે આ પાંચ સભ્યોએ ગૃહની આમન્યા જાળવી નથી અને ગૃહના અધ્યક્ષની સત્તાનો અનાદર કર્યો છે. તેથી એમને વર્તમાન સત્રના બાકીના હિસ્સામાં ભાગ લેવામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે. એમના પ્રસ્તાવને મૌખિક મતદાન દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો હતો. એ વખતે ગૃહના અધ્યક્ષપદે બી. માહતાબ હતા.
બીજા 9 સભ્યો પણ સસ્પેન્ડ
બપોરે 3 વાગ્યે જ્યારે લોકસભાની બેઠક ફરી મળી ત્યારે પણ વિપક્ષી સભ્યોએ હંગામો ચાલુ રાખ્યો હતો. તેથી સંસદીય પ્રધાન પ્રહલાદ જોશીએ 9 સંસદસભ્યોના નામ લઈને એમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહ દ્વારા મૌખિક મતદાન મારફત સ્વીકાર કરવામાં આવ્યો હતો. 9 સભ્યો છેઃ વી.કે. શ્રીકંદન, બેહનન બેન્ની, મોહમ્મદ જાવેદ, માણિક્કમ ટાગોર, કનિમોઝી, એસ.આર. પાર્થિબન, પી.આર. નટરાજન, એસ. વેંકટેશન અને કે. સુબ્રારાયણ.
