રાજ્યો કન્ટેનમેન્ટ ઝોનની બહાર લોકડાઉન લાગુ કરી નહીં શકે

નવી દિલ્હીઃ દેશ કોરોના વાઈરસ મહાબીમારીનો સામનો કરી રહ્યું છે કે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આર્થિક પ્રવૃત્તિઓને ધીમે ધીમે ફરી શરૂ કરવા માટે ‘અનલોક’ યોજના અંતર્ગત અનલોક-4 હેઠળ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જે 30 સપ્ટેંબર સુધી અમલમાં રહેશે. અનલોકના આ નવા તબક્કામાં ઘણા પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે જેમાં રાજ્યોની અંદર અને બે રાજ્યની વચ્ચે પ્રવાસ કરી શકાશે તેમજ મેટ્રો રેલવેમાં પણ પ્રવાસ કરવા મળશે.

જોકે કન્ટેનમેન્ટ ઝોન ઘોષિત કરાયેલા વિસ્તારોમાં જૂના નિયંત્રણો સાથે લોકડાઉન ચાલુ જ રહેશે.

વાઈરસને કાબૂમાં રાખવા માટે અનેક રાજ્યોએ જુદા જુદા પ્રકારે લોકડાઉન લાગુ કર્યું છે. જોકે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા અંતર્ગત એવું જુદા જુદા પ્રકારનું લોકડાઉન હવે ચાલુ નહીં રહે.

કેન્દ્રીય નોટિસમાં જણાવાયું છે કે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી વગર કન્ટેનમેન્ટ ઝોન્સની બહારના કોઈ પણ ભાગમાં કોઈ પણ પ્રકારનું સ્થાનિક લોકડાઉન લાગુ કરી નહીં શકે.

નવી માર્ગદર્શિકા અનુસાર, કન્ટેનમેન્ટ ઝોન્સનું સીમાંકન રેખાઓ જિલ્લા સત્તાધીશો માઈક્રો લેવલ પર કરશે. કન્ટેનમેન્ટ ઝોન્સમાં કડક નિયંત્રણો યથાવત્ રહેશે અને માત્ર આવશ્યક પ્રવૃત્તિઓ માટે જ પરવાનગી અપાશે.

નવી માર્ગદર્શિકા અનુસાર, કન્ટેનમેન્ટ ઝોન્સને સંબંધિત જિલ્લા કલેક્ટરોએ તથા સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વેબસાઈટ્સ પર નોટિફાય કરવાના રહેશે. એ જ માહિતી કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય સાથે શેર પણ કરવાની રહેશે.