BSFને ભારત-પાક સરહદે 170 મીટર લાંબી સુરંગ મળી

જમ્મુઃ સીમા સુરક્ષા દળોએ ફરી એક વાર પાકિસ્તાનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ભારતીય સરહદમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે બનાવવામાં આવેલી સુરંગની માહિતી મળી છે. આ સુરંગ સાંબા જિલ્લામાં સરહદની સાથે બનાવવામાં આવી હતી, જે પાકિસ્તાનમાં શરૂ થતી હતી અને સાંબામાં પૂરી થતી હતી. આ સુરંગનો ઉપયોગ સંભવતઃ આતંકવાદીઓની ઘૂસણખોરી અને માદક પદાર્થો તથા હથિયારોની દાણચોરી માટે કરવામાં આવતો હતો.

સુરંગનું મોં ત્રણ-ચાર ફૂટ પહોળું

જમ્મુ BSFના IG એનએસ જમ્વાલે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે તપાસ દરમ્યાન જવાનોને આ સુરંગ મળી આવી હતી.  આ સુરંગની માહિતી માટે વિશેષ ટીમ રચવામાં આવી છે. આ સુરંગ ઝીરો લાઇનથી 170 ગજ લાંબી છે. આટલું જ નહીં, આ સુરંગનું મોં કાકરા અને ઝાડ પાનથી બંધ કરવામાં આવ્યું હતું, જેથી કોઈને એની જાણ ના થાય. સુરંગનું મોં ત્રણ-ચાર ફૂટ પહોળું હતું.

આ સુરંગનું મોં છુપાવવા માટે જે કાંકરાવાળી બેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ શકરગઢ, કરાચી સ્થિત સિમેન્ટ ફેક્ટરીનું નામ અંકિત છે. BSFના અધિકારીએ જણાવ્યું હતું કે એ સુરંગ સાંબાના ગલર ગામમાં મળે છે. જે જગ્યાએ આ સુરંગનો મો ખૂલે છે, એ જગ્યા આંતરરાષ્ટ્રીય સરહદથી ભારતીય સીમા બાજુ આશરે 170 મીટર દૂર છે.

IG BSF જમ્વાલે એ પણ કહ્યું હતું કે કાંકરાવાળી બેગ પર કરાચીનું નામ એ દર્શાવે છે કે સુરંગ બનાવવા પાછળ પાકિસ્તાનનો હાથ છે. આ સુરંગ યોજના અને એન્જિનિયરિંગના પ્રયાસોથી ખોદવામાં આવી છે. આ બધા પુરાવાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની રેન્જર્સ સહિત અન્ય એજન્સીઓ પણ આમાં સંડોવાયેલી છે, કેમ કે આટલી મોટી સુરંગ તેમના સહયોગ વિના બનાવવી મુશ્કેલ છે.

પહેલાં પણ સીમા પર સુરંગ મળી હતી

આ પહેલાં પણ સીમા પર સુરંગ મળી ચૂકી છે. આ પહેલાં 14 ફેબ્રુઆરી, 2017માં પણ BSFની 62મી બેટેલિયને રામગઢના ચમલિયાલ ગામના છન્ની ફતવાલ વિસ્તારમાં પાકિસ્તાની વિસ્તારમાંથી બનાવવામાં આવેલી 20 મીટર લાંબી સુરંગને શોધી કાઢી હતી. આ પહેલાં વર્ષ 2016માં પાકિસ્તાનના છન્ની ફતવાલમાં 80 મીટર સુરંગ બનાવવામાં આવી હતી. ભારતીય જવાનોએ ના માત્ર સુરંગ શોધી કાઢી હતી, પણ એના દ્વારા ભારે જથ્થામાં ગોલાબારુદને લઈને ઘૂસી રહેલા બે આતંકવાદીઓને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા.