ચિદમ્બરમ સામે બદલાની ભાવનાથી કામ નહીંઃ નીતિન ગડકરી

રાંચીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, ભાજપ ચિદમ્બરમ અથવા કોઈ અન્ય વિરુદ્ધ બદલાની ભાવનાથી કામ નથી કરી રહી અને આરોપ લગાવ્યો છે કે એ ચિદમ્બરમ જ હતા કે જેમણે નાણામંત્રી તરીકે ભૂતકાળમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહને ખોટા મામલાઓમાં ફસાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ નિર્દોષ સાબિત થયા હતા. નીતિન ગડકરીએ જણાવ્યું કે અમે બદલો લેનારા લોકો નથી પરંતુ બીજી તરફ ચિદમ્બરમ નાણામંત્રી પદ પર હતા ત્યારે ખોટા મામલાઓમાં ફસાવી રહ્યા હતા. ચિદમ્બરમ જ્યારે કોંગ્રેસ સરકારમાં નાણામંત્રી હતા ત્યારે તેમણે મોદી, શાહ અને મારી વિરુદ્ધ ખોટા કેસ કરાવ્યા હતા.

ગડકરીએ કહ્યું કે, ચિદમ્બરમે અમને તમામ લોકોને ખોટા મામલાઓમાં ફસાવવાના પ્રયત્નો કર્યા પરંતુ બાદમાં અમે લોકો કોર્ટમાં નિર્દોષ સાબિત થયા. તેમણે જણાવ્યું કે ચિદમ્બરમ જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે પણ તેમણે શું કર્યું હતું તે આખો દેશ જાણે છે. ચિદમ્બરમ વિરુદ્ધ મની લોન્ડ્રીંગ મામલે પર્યાપ્ત પુરાવાઓ છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, અમે ઈડીનો દુરુપયોગ નથી કરી રહ્યા. ચિદમ્બરમને જામીન મળ્યા એનો અર્થ એ નથી કે તેઓ નિર્દોષ છે. તેમના વિરુદ્ધ જે કેસ છે તેના પર કાયદાકીય પ્રક્રિયા અનુસાર કાર્યવાહી થઈ છે. ગડકરીએ જણાવ્યું કે જ્યાં સુધી ચિદમ્બરમ મામલે કોંગ્રેસના આરોપ છે કે તેમને આઈએનએક્સ મીડિયા મામલે ફસાવવામાં આવ્યા છે તો એ વાત કોર્ટમાં સાબિત થશે કે શું સત્ય છે અને શું અસત્ય.