કેન્દ્રીય ડોક્ટર પ્રધાને ફ્લાઈટમાં પ્રવાસીની તાત્કાલિક-ચિકિત્સા કરી

નવી દિલ્હીઃ કેન્દ્રના નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન ડો. ભાગવત કરાડ વ્યવસાયે બાળકોનાં ડોક્ટર અને સર્જન છે. એમણે ગઈ કાલે ઈન્ડીગોની દિલ્હી-મુંબઈ ફ્લાઈટમાં એક સહ-પ્રવાસીની તબિયત અચાનક બગડતાં એની તાત્કાલિક ચિકિત્સા કરી હતી અને એનો જાન બચાવ્યો હતો. ડો. કરાડના કાર્યાલયમાંથી બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદીમાં આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. તે વિમાને દિલ્હીથી મુંબઈ આવવા ટેક-ઓફ્ફ કર્યાના લગભગ એક કલાકમાં તે પ્રવાસીની તબિયત અચાનક બગડી હતી. એણે બેચેની થતી હોવાની ફરિયાદ કરી હતી અને નીચે પડી પણ ગયા હતા. વિમાનના કેબિન ક્રૂએ ફ્લાઈટમાં કોઈ ડોક્ટર છે? એમ પૂછ્યું હતું. ડો. ભાગવત કરાડ તરત જ એ પ્રવાસીની મદદે પહોંચી ગયા હતા. સહ-પ્રવાસીને લૉ-બ્લડ પ્રેશરની તકલીફ ઊભી થઈ હતી. એ ખૂબ હાંફી રહ્યા હતા. ડો. કરાડે સૌથી પહેલાં તો એ પ્રવાસીને કપડાં ઢીલાં કરી નાખ્યા હતા, એમનાં પગ ઊંચે કર્યા હતા. હાથથી એમની છાતીને મસળતા રહ્યા હતા અને એમને ગ્લુકોઝનું પાણી પીવડાવ્યું હતું. તે પ્રવાસીને ફ્લાઈટમાં ઉપલબ્ધ ઈમરજન્સી મેડિકલ કિટનો ઉપયોગ કરીને ઈન્જેક્શન આપ્યું હતું. અડધા કલાક બાદ એ પ્રવાસીને સારું લાગ્યું હતું.

ડો. ભાગવત કરાડના આ કાર્યની જાણ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમની પ્રશંસા કરી છે. ડો. કરાડે પણ ટ્વીટ કરીને મોદીને વિનમ્રપણે જવાબ આપ્યો છે.

ઈન્ડીગો એરલાઈને પણ ટ્વીટ દ્વારા ડો. કરાડનો આભાર માન્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]