કેન્દ્રીય-પ્રધાન ચૌબે પત્રકાર-પરિષદમાં ચોધાર આંસુએ રડી પડ્યા…

બક્સર (બિહાર): કેન્દ્રના ગ્રાહકોને લગતી બાબતો, અન્ન, જાહેર પૂરવઠા, પર્યાવરણ, વન્ય ખાતાઓના રાજ્યકક્ષાના પ્રધાન અશ્વિની કુમાર ચૌબે ગઈ કાલે અહીં પત્રકાર પરિષદમાં ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા હતા. એમના રડવાનું કારણ હતું ભારતીય જનતા પાર્ટીના નેતા પરસુરામ ચતુર્વેદીનું ગઈ કાલે થયેલું મૃત્યુ. ચતુર્વેદી ભાજપ કિસાન મોરચાની રાષ્ટ્રીય કારોબારી સમિતિના સભ્ય હતા અને ગઈ કાલે હૃદયરોગના હુમલાને કારણે એમનું અવસાન થયું હતું.

ચૌબેએ રડતા રડતા પત્રકારોને કહ્યું, ‘પરસુરામ ચતુર્વેદી છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતોને લગતી સમસ્યાઓના ટેકામાં કડકડતી ઠંડી હોવા છતાં મારી સાથે ભૂખહડતાળ પર બેઠા હતા. હૃદયરોગના હુમલો આવતાં એમનું નિધન થયાના સમાચાર મને હમણાં જ મળ્યા,’ એમ કહીને ચૌબે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા હતા. બક્સરના સંસદસભ્ય ચૌબેએ એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 24 કલાક દરમિયાન પોતાની પર બે વાર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હું ખેડૂતો પર થતા અત્યાચારો વિરુદ્ધ ઝુંબેશ ચલાવું છું. પાંચ-છ તોફાની લોકો લાઠી લઈને મને મારવા આવ્યા હતા, પરંતુ મારા અંગરક્ષકો અને પોલીસોએ એમાંના ત્રણને પકડી લીધા હતા અને મને બચાવી લીધો હતો.