નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સાંજે એમના પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યા બાદ નવા પ્રધાનોને તેમના ખાતાંની વહેંચણી કરી છે. કેટલાંક પ્રધાનોનાં ખાતાંમાં ફેરફાર પણ કર્યા છે. અગાઉ શિપિંગ-બંદરોને લગતી બાબતો સંભાળનાર મનસુખ માંડવીયાને આરોગ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે. તેઓ ડો. હર્ષવર્ધનના અનુગામી બન્યા છે જેમણે કેબિનેટ વિસ્તરણ પૂર્વે એમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. માંડવીયાનું અગાઉનું મંત્રાલય સર્બાનંદ સોનોવાલને સોંપવામાં આવ્યું છે. સોનોવાલ ‘આયુષ’ મંત્રાલય પણ સંભાળશે, જે અગાઉ શ્રીપાદ નાઈક પાસે હતું. પરસોત્તમ રૂપાલાને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગની બાબતોનું મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયને વડા પ્રધાન મોદીએ પોતાની પાસે રાખ્યું છે. અમિત શાહને ગૃહ ઉપરાંત સહકાર મંત્રાલય પણ આપ્યું છે.
પીયૂષ ગોયલને રેલવેને બદલે કપડા અને ગ્રાહકોને લગતી બાબતોનાં મંત્રાલય સોંપવામાં આવ્યા છે. એ વાણિજ્ય પ્રધાન તરીકે યથાવત્ છે. એમની જગ્યાએ રેલવે મંત્રાલય નવનિયુક્ત અશ્વિની વૈષ્ણવને સુપરત કરાયું છે. વૈષ્વણ ભૂતપૂર્વ આઈએએસ અધિકારી છે. તેઓ રેલવે ઉપરાંત ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને કમ્યુનિકેશન મંત્રાલયો પણ સંભાળશે.
કિરન રિજીજુના મંત્રાલયમાં પણ ફેરફાર કરાયો છે. એમને સ્પોર્ટ્સ અને યુવાઓને લગતી બાબતોના મંત્રાલયને બદલે હવે સાંસ્કૃતિક બાબતોનું ખાતું અપાયું છે. અનુરાગ ઠાકુર હવે નવા સ્પોર્ટ્સ તેમજ માહિતી-પ્રસારણ પ્રધાન છે. જે અગાઉ નાણાંમંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન હતા. ભૂપેન્દ્ર યાદવ દેશના નવા શ્રમ પ્રધાન છે તે ઉપરાંત પર્યાવરણ-જંગલ રક્ષણવિકાસની બાબતો પણ સંભાળશે. તો ભાજપનાં પ્રવક્તા અને ગઈ કાલે રાજ્યકક્ષાનાં પ્રધાન તરીકેનાં શપથ લેનાર મીનાક્ષી લેખીને નાયબ વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યાં છે. તેઓ સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયમાં કિરન રિજીજુને મદદ કરશે. સ્મૃતિ ઈરાની હવે મહિલાઓ અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન છે.
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને મુલ્કી ઉડ્ડયનનું ખાતું સોંપવામાં આવ્યું છે, જે અગાઉ હરદીપસિંહ પુરી પાસે હતું. પુરી હવે શહેરી વિકાસ, હાઉસિંગ અને પેટ્રોલિયમ પ્રધાન છે. અગાઉના પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન હવે નવા શિક્ષણ પ્રધાન છે. તેમના પુરોગામી રમેશ પોખરિયાલે રાજીનામું આપતાં આ પદ ખાલી પડ્યું હતું. ડો. વિરેન્દ્ર કુમાર નવા સામાજિક ન્યાય પ્રધાન છે.