શિમલાઃ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં બની રહેલી સંજૌલી મસ્જિદને લઈને ટેન્શન ઘણું વધી ગયું છે. પ્રદર્શન કરી રહેલા હિન્દુ સંગઠનોએ હવે પોલીસ બેરિકેડ તોડી નાખ્યા છે. તેઓ ઘણા આગળ વધી ચૂક્યા છે.
મસ્જિદથી થોડેક જ દૂર હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત છે, જે પ્રદર્શનકારીઓને અટકાવવાના પ્રયાસ કરી રહ્યું છે. બેરિકેડ તોડ્યા પછી આગળ વધી રહેલી ભીડ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે. જોકે હાલના સમયે ભીડ પોલીસ પર ભારે પડી રહી છે. જે વિડિયો સામે આવી રહ્યા છે, એમાં ભીડે કેટલાય પોલીસ બેરિકેડ તોડી નાખ્યા છે. ભીડ પોલીસને પાછળ ધકેલી રહી છે. બેકાબૂ ભીડને કાબૂમાં કરવા પોલીસે બળપ્રયોગ કરવો પડી રહ્યો છે. પોલીસ વોટર કેનન દ્વારા પણ ભીડને વિખેરવાની કવાયત કરી રહી છે.
છેલ્લા કેટલાય દિવસોથી પ્રદર્શન કરી રહેલા લોકોનું કહેવું છે કે તેઓ વહીવટી તંત્રને અનેક વાર ગેરકાયદે મસ્જિદના બાંધકામની ફરિયાદ કરી ચૂક્યા છે, પણ હજી સુધી કોઈ પગલાં નથી લેવામાં આવ્યાં. લોકોનો આરોપ છે કે આ કેસ કોઈ ધાર્મિક સ્થળનો નથી, પણ કાયદેસર અને ગેરકાયદે બાંધકામનો છે.
મસ્જિદમાં થયેલા ગેરકાયદે બાંધકામને લઈને સાત સપ્ટેમ્બરે મ્યુનિસિપલ કમિશનરને ત્યાં સુનાવણી થઈ હતી. મસ્જિદમાં થયેલા ગેરકાદે બાંધકામને લઈને 2010થી અત્યાર સુધી 45 વાર સુનાવણી થઈ ચૂકી છે, પણ હજી સુધી નિર્ણય નથી લઈ શકાયો. એ દરમ્યાન મસ્જિદ બે માળથી વધતાં-વધતાં પાંચ માળની જરૂર બની ગઈ છે.