ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા; રાજ્યના 29મા CM બન્યા

મુંબઈ – ‘મી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે ઈશ્વર સાક્ષાત શપથ ઘેતો કી …’

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે અહીંના દાદર સ્થિત શિવતીર્થ (શિવાજી પાર્ક) ખાતે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીએ એમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ મરાઠી ભાષામાં શપથ લીધા હતા.

ઉદ્ધવ ઠાકરે શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના બનેલા ગઠબંધન ‘મહારાષ્ટ્ર વિકાસ આઘાડી’ની સરકારનું નેતૃત્ત્વ લઈ રહ્યા છે. શપથવિધિ સમારોહમાં આ ત્રણેય પાર્ટીના ટોચના નેતાઓ, દેશભરના આમંત્રિત રાજકીય નેતાઓ, મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા અંબાણી, જયા અમિતાભ બચ્ચન, ત્રણેય પાર્ટીના અસંખ્ય નેતાઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રચંડ માનવમહેરામણ ઉમટ્યો હતો.

ઉદ્ધવ ઠાકરે રાજ્યના 29મા મુખ્ય પ્રધાન બન્યા છે. તેઓ શિવસેના પક્ષના સ્થાપક સ્વ. બાળાસાહેબ ઠાકરેના પરિવારના પ્રથમ સભ્ય છે જે મુખ્ય પ્રધાન બન્યા છે.

શપથ લીધા બાદ ઉદ્ધવ ઠાકરે સ્ટેજના આગળના ભાગમાં આવીને પાર્કમાં હાજર માનવમેદની સમક્ષ હાથ જોડીને નતમસ્તક થયા હતા.

ઉદ્ધવ ઠાકરેની સાથે એમની પાર્ટીના એકનાથ શિંદે અને સુભાષ દેસાઈએ પણ પ્રધાન તરીકે શપથ લીધા હતા.

ત્યારબાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જયંત પાટીલ અને છગન ભુજબળે શપથ લીધા હતા.

ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાત અને નીતિન રાઉતે શપથ લીધા હતા.

ગયા મહિને યોજાઈ ગયેલી મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ 56 સીટ જીતી હતી.

54 સીટ જીતનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને 44 સીટ જીતનાર કોંગ્રેસ પાર્ટીએ શિવસેના સાથે મળીને સરકાર બનાવી છે.

શપથવિધિ સમારોહમાં ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મી ઠાકરે, પુત્રો આદિત્ય અને તેજસ, ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે, એનસીપીના પ્રમુખ શરદ પવાર, એમના પુત્રી અને સંસદસભ્ય સુપ્રિયા સુળે, ભત્રિજા અજીત પવાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ,  પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને એમના પુત્ર રાહુલ ગાંધી સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા અને એમણે પત્ર મોકલીને ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા આપી હતી.

ઉદ્ધવ ઠાકરે શિવસેના પાર્ટીના ત્રીજા મુખ્ય પ્રધાન બન્યા છે. આ પહેલાં મનોહર જોશી (1995) અને નારાયણ રાણે (1999) મુખ્ય પ્રધાન બન્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનવા બદલ અભિનંદન આપ્યા છે અને કહ્યું છે કે એમને આશા છે કે તેઓ મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે અવિરત કાર્ય કરશે.

શિવતીર્થ (શિવાજી પાર્ક) ખાતે શપથવિધિ સમારોહ માટેનું વિરાટ સ્ટેજ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ અને એમની ટીમે તૈયાર કર્યું હતું. નીતિન દેસાઈએ ‘લગાન’, ‘જોધા અકબર’, ‘દેવદાસ’ ફિલ્મોના સેટની ડિઝાઈન પણ તૈયાર કરી હતી.