LPG લઈ જતી માલગાડીના બે ડબ્બા ખડી પડ્યા

જબલપુરઃ ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના પછી હવે મધ્ય પ્રદેશના જબલપુર રેલવેમાં પણ બે રેલ દુર્ઘટનાઓ થઈ હતી. એક જ દિવસમાં બે મોટી રેલવે દુર્ઘટનાઓ પછી રેલવેવહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે.  મધ્ય પ્રદેશમાં મંગળવારે બે રેલ દુર્ઘટના થઈ હતી. પહેલી ઘટનામાં માલગાડીના બે ડબ્બા સાંજે 7.30 કલાકે પાટા પરથી ખડી પડ્યા હતા. આ ઘટનામાં જાનમાલનું નુકસાન નથી થયું. આ ઘટના રેલવે યાર્ડમાં થઈ હતી, જે કટની રેલવે યાર્ડમાં થઈ હતી.

આ ઘટનાની માહિતી મળતાં રેલેવ કર્મચારીઓએ આશરે એક કલાકની મહેનત પછી એ માલગાડીને પાટા પર પૂર્વવત્ લાવીને એને રવાના કરી હતી. બીજી ઘટના રાત્રે 10.30 કલાકે ભેડાઘાટની નજીક ભિટોનીમાં બની હતી. અહીં ગેસથી ભરેલાં માલગાડીનાં વેગન પાટા પરથી ઊતરી ગયા હતા.

આ ઘટના પછી જબલપુર રેલ મંડલના કન્ટ્રોલ ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ પહોંચ્યા હતા. આ ઘટનાને લઈને ભિટોની ગેસ ડિપો વહીવટી તંત્રનું કહેવું હતું કે નિયમ મુજબ સવારે વેગનને પાટા પર લાવવામાં આવ્યા હતા. રાત્રે કોઈ કામ નહોતું કરવામાં આવ્યું.

પશ્ચિમ મધ્ય રેલવે, મધ્ય પ્રદેશના CPROએ જણાવ્યું હતું કે માલગાડી ગેસ ફેક્ટરીની અંદર રેકને ખાલી કરવામાં આવી રહી હતી. ત્યારે બે વેગન પાટા પરથી ખડી પડ્યા હતા. એનાથી મુખ્ય લાઇનના સંચાલનને અસર નહોતી થઈ. મુખ્ય લાઇન પર ટ્રેનોની આવ-જા સામાન્ય હતી. અધિકારીઓની ઉપસ્થિતિમાં સવારે મારામતનું કામ શરૂ થયું હતું. સાઇડિંગ માલિકે ફિટનેસ પ્રમાણપત્ર જારી કર્યું હતું.