ન્યુ યોર્કઃ અમેરિકામાં ભારતીય મૂળના બે લોકોએ કોવિડ19 રોગચાળા પછી આર્થિક સહાયતા યોજના હેઠળ લોન લઈને લાખો ડોલરની છેતરપિંડી કરી હોવાના ગુનાનો સ્વીકાર કર્યો હતો, એમ ન્યાય વિભાગે જણાવ્યું હતું. વિભાગે જણાવ્યું હતું કે 41 વર્ષીય નિશાંત પટેલ અને હરજિત સિંહ (49)ની સાથે ત્રણ અન્ય લોકોએ લોનમાફી યોજના પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ (PPP) હેઠળ લોન લઈને છેતરપિંડી કરીને લાખો ડોલર પ્રાપ્ત કર્યા હતા અને એને કાયદેસર બનાવવામાં સામેલ હતા.
સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (SBA) કેર્સ એક્ટ આ લોનની ગેરન્ટી આપે છે. આરોપીઓ SBA અને કેટલાક SBAની મંજૂરી પ્રાપ્ત PPP લોનધારકોને નકલી અને છેતરપિંડીવાળી PPP માટે અરજી જમા કરી હોવાની વાત સ્વીકારી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ યોજના હેઠળ પટેલે આશરે 4.75 લાખ અમેરિકી ડોલરની નકલી અને છેતરપિંડીવાળી PPP લોન પ્રાપ્ત કરી હતી અને સિંહે કુલ 9.37,379 અમેરિકી ડોલરની બે નકલી અને છેતરપિંડીવાળી PPP લોન લીધી હતી.
આ છેતરપિંડીમાં સામેલ ત્રણ અન્ય લોકોએ કુલ 14 લાખ અમેરિકી ડોલરથી વધુ રકમ પ્રાપ્ત કરી હતી. આ આરોપીઓને આગામી વર્ષે ચોથી જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે, જેમાં દરેક દોષી વ્યક્તિને મહત્તમ પાંચ વર્ષની સજા થવાની શક્યતા છે. આ પાંચ વ્યક્તિ સિવાય એક અન્ય વ્યક્તિને છેતરપિંડીમાં સામેલ થવાના કેસમાં દોષી ઠેરવવામાં આવી હતી. જ્યારે 15 અન્ય વ્યક્તિઓને લોન છેતરપિંડી યોજનામાં સામેલ થવાનો ગુનો સ્વીકારી લીધો છે.