અગરતાલાઃ બે દિવસથી સોશિયલ મિડિયા પર લગ્ન સમારંભને લગતો એક વિડિયો ફરી રહ્યો છે, જેમાં એક અધિકારી એક ભપકાદાર લગ્ન સમારંભ સ્થળે પોલીસ ટૂકડીની સાથે ત્રાટક્યા છે અને કોરોનાવાઈરસ પ્રતિરોધક ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરીને લગ્નની મજા માણતા અસંખ્ય લોકોને લગ્નના હોલ-ઈમારતમાંથી બહાર કાઢે છે. વિડિયોમાં તેમને વરરાજા તથા અન્ય સગાંવહાલાઓને ધક્કા મારીને અને અપમાનિત કરીને બહાર કાઢતા જોઈ શકાય છે. આ વિડિયો ત્રિપુરા રાજ્યના પાટનગર અગરતાલા શહેરનો છે અને કડક કાર્યવાહી કરનાર અધિકારી છે પશ્ચિમ ત્રિપુરા જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષકુમાર યાદવ. અગરતાલામાં 30 એપ્રિલ સુધી નાઈટ-કર્ફ્યૂ અમલમાં છે અને ગયા સોમવારે કોરોના નિયમોનો ભંગ કરીને મેરેજ પાર્ટીમાં ભાગ લેવા બદલ વરરાજા, કન્યા, એમનાં પરિવારજનો સહિત 31 જણને અટકમાં પણ લેવામાં આવ્યા હતા. બાદમાં એમને છોડી મૂકવામાં આવ્યા હતા. યાદવે રાતના 11 વાગ્યાના સુમારે બે અગરતાલા શહેરના નોર્થ ગેટ એરિયામાં આવેલા પેલેસ કમ્પાઉન્ડના બે સ્થળે ચાલી રહેલા લગ્નસમારંભ સ્થળની સરપ્રાઈઝ વિઝિટ લઈને સપાટો બોલાવ્યો હતો. સોશિયલ મિડિયા પર આ વિડિયો જોઈને લોકો અધિકારીની વાહ-વાહ અને લગ્નમાં સામેલ થયેલાઓની ટીકા કરી રહ્યાં છે.
જોકે આ બાબતમાં વળાંક એ આવ્યો છે કે ભાજપશાસિત ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લવ કુમાર દેવે જિલ્લા મેજિસ્ટ્રેટ યાદવને સસ્પેન્ડ કરી દીધા હોવાનો અહેવાલ છે. શૈલેષકુમાર યાદવે જે રીતે બળપૂર્વક કાર્યવાહી કરી એની સામે ભાજપના વિધાનસભ્યો સહિત કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો છે. મુખ્ય પ્રધાને રાજ્યના મુખ્ય સચિવને આદેશ આપ્યો હતો કે તેઓ સંબંધિત ઘટના વિશેનો એક અહેવાલ એમને સુપરત કરે. એ દરમિયાન, જિલ્લા મેજિસ્ટ્રેટ યાદવે મંગળવારે એક સ્થાનિક ટીવી ચેનલ મારફત પોતાના પગલા બદલ માફી માગી હતી.