તીન તલાક મામલો: લોકસભામાં રજૂ કરાયું વિધેયક

નવી દિલ્હી- મોદી સરકારે તીન તલાકને અમાનવીય ગણાવી તેને ગુનો જાહેર કરી અને આવા કેસમાં સજા આપવાની જોગવાઈ ધરાવતો ખરડો આજે લોકસભામાં રજૂ કર્યો હતો. આ ખરડાનું નામ છે ‘ધ મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઈન મેરેજ એક્ટ’. કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે આ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું.

આ વિધેયકને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ઈન્ટર મિનિસ્ટિરિયલ ગ્રુપે તૈયાર કર્યું છે. જે અંતર્ગત તીન તલાકને ગેરકાયદે ગણાવવામાં આવ્યો છે. વિધેયક અનુસાર અંગતરીતે બોલીને, ઈમેલથી, SMSથી, વ્હોટ્સએપથી કે સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મથી આપવામાં આવેલા તલાકને ગેરકાયદે ગણવામાં આવશે.

આ ખરડા પર ચર્ચા સંસદમાં તો થશે જ, પણ મુસ્લિમ સમાજમાં અત્યારથી જ આ ખરડાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. જે ખરડાને કેન્દ્ર સરકાર મુસ્લિમ મહિલાઓ માટે ક્રાંતિકારી ગણાવી રહી છે તેનાથી મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચિંતિત જોવા મળી રહ્યું છે. અને આ અંગે તેના કેટલાક પ્રશ્નો પણ છે.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મુખ્ય સદસ્ય કમાલ ફારુકીએ આ ખરડા અંગે પોતાનો વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું કે, સરકાર કોઈપણ પ્રકારની તૈયારી વગર માત્ર રાજકીય સ્ટેન્ડના આધારે આ ખરડો લાવી રહી છે. ફારુકીએ વધુમાં કહ્યું કે, દેશમાં 13 ટકા મુસલમાન છે. સરકાર તેના માટે ખરડો લાવી રહી છે પણ આ માટે સરકારે મુસ્લિમોનો અભિપ્રાય નથી લીધો.

ફારુકીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા તીન તલાકને અયોગ્ય ગણાવી ચુક્યું છે. કોર્ટનો નિર્ણય કાયદો માનવામાં આવે છે તો પછી અલગથી આ માટે કાયદો બનાવવાની શું જરુર છે. ફારુકીએ કેન્દ્ર સરકાર પર મનમાની કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, કેન્દ્ર સરકાર શરિયતમાં દખલ કરી રહી છે અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તેનો સ્વીકાર કરશે નહીં.