હિમાચલમાં જય’રામ’ રાજ, પીએમ મોદી શપથ સમારોહમાં રહ્યાં હાજર

શિમલા- હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતિ મેળવીને ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં પોતાની સરકાર બનાવી લીધી છે. પાર્ટીના નેતા જયરામ ઠાકુરે મુખ્યપ્રધાન પદનાં શપથ ગ્રહણ કર્યાં હતાં. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતાં.

આ ઉપરાંત મહેન્દ્ર સિંહ, કિશન કપૂર અને સુરેશ ભારદ્વાજે કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધાં હતાં.જેમાં સુરેશ ભારદ્વાજે સંસ્કૃતમાં શપથ લીધા હતા. સીએમ જયરામ ઠાકુર હિમાચલ પ્રદાશના બીજા સૌથી મોટા જિલ્લા મંડીમાંથી આવે છે. ભાજપે આ વખતે મંડી જિલ્લામાં ચોંકાવનારું પ્રદર્શન કર્યું છે અને અહીંની 10 વિધાનસભા બેઠકમાંથી નવ બેઠક ઉપર જીત મેળવી છે.

ભાજપે આ વખતે રાજ્યની વિધાનસભાની 68 બેઠકોમાંથી 44 બેઠકો પર જીત મેળવી છે. આજના શપથ સમારોહ માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશ માટે આજનો દિવસ ઐતિહાસીક હતો. કારણકે અત્યાર સુધી અહીંના કોઈ પણ સીએમની શપથ વિધિમાં વડાપ્રધાન હાજર રહ્યાં નથી. જ્યારે જયરામ ઠાકુરની શપથવિધિ માટે પીએમ મોદીએ હાજરી આપી હતી.