ત્રિપુરા વિધાનસભા ચૂંટણીઃ આજે મતદાનનો દિવસ છે

અગરતલાઃ ઈશાન ભારતના રાજ્યોમાંના એક, ત્રિપુરામાં નવી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન શરૂ કરાયું છે. ભાજપશાસિત આ રાજ્યમાં કુલ 60 બેઠકો છે. એમાંની 20 બેઠક અનુસૂચિત જાતિઓ (ST) માટે અને 10 બેઠક અનુસૂચિત જનજાતિઓ (SC) માટે અનામત રાખવામાં આવી છે.

ચૂંટણી માટે ભાજપે ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી) સાથે હાથ મિલાવ્યા છે. ભાજપે 55 અને આઈપીએફટી પાર્ટીએ પાંચ બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા છે.

ભાજપને ફરી સત્તા પર આવતો રોકવા ડાબેરી પક્ષો અને કોંગ્રેસે બેઠકોની વહેંચણી કરી છે. ડાબેરીઓ 47 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. આમાંની 43 પર માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) ચૂંટણી લડે છે જ્યારે બાકીની 13 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો ઊભા રાખ્યા છે.

આદિવાસી સંગઠન TIPRA મોઠાએ 42 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે જ્યારે મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમુલ કોંગ્રેસ પાર્ટી 28 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 42 બેઠકો પર ત્રિપાંખિયો જંગ ખેલાવાની ધારણા છે – ભાજપ, TIPRA મોઠા અને ડાબેરી-કોંગ્રેસ વચ્ચે. 2018ની ચૂંટણીમાં ભાજપે 36 બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો અને ડાબેરીઓના 25-વર્ષથી ચાલતા શાસનનો અંત લાવી દીધો હતો. સીપીએમ પાર્ટીએ 16 અને આઈપીએફટીએ 8 સીટ મેળવી હતી.