અમૃતસર: ‘રાવણ દહન’ વખતે પાટા પર પડેલા લોકો પર ટ્રેન ફરી વળી; અનેક કચડાઈ મર્યા

અમૃતસર – આ શહેરમાં આજે સાંજે બનેલી એક ભયાનક અને દર્દનાક ઘટનામાં જોડા બજારના જોડા ફાટક પાસે ધોબીઘાટ નજીકના મેદાનમાં દશેરા ઉજવણી નિમિત્તે રાવણ દહન કાર્યક્રમ ચાલુ હતો ત્યારે બાજુમાં રેલવેના પાટા પાસે ઊભીને અનેક લોકો એ દ્રશ્યો નિહાળતા હતા ત્યારે ધસમસતી આવેલી એક ટ્રેનની હડફેટે આવી જતાં 61 જણનાં મરણ થયા છે. દુર્ઘટનામાં બીજાં અનેક જણ ઘાયલ પણ થયા છે.

એક અહેવાલ મુજબ, સાંજે લગભગ સાત વાગ્યાના સુમારે રેલવેના પાટા પર ઊભીને લગભગ 700 જણ રાવણ દહન દ્રશ્યો નિહાળી રહ્યા હતા ત્યારે અચાનક DMU ટ્રેન આવી પડી હતી અને પાંચ સેકંડમાં લોકોને કચડીને જતી રહી હતી.

અન્ય અહેવાલ મુજબ, મેદાનમાં રાવણનું પૂતળું સળગી રહ્યું હતું ત્યારે ઘણા લોકો એ દ્રશ્યો જોતાં ઊભા હતા, પણ સળગતું પૂતળું પોતાની પર પડશે એ ડરથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. નીચે રેલવેના પાટા પર હતા અને લોકો પાટા પર પડ્યા હતા એ જ વખતે એક ટ્રેન ધસમસતી ટ્રેન આવી પડી હતી અને ઘણા લોકો એની હડફેટે આવી ગયા હતા અને કચડાઈ ગયા હતા.

DMU ટ્રેન પઠાનકોટથી અમૃતસર જતી હતી.

રાવણના પૂતળાને સળગાવવામાં આવ્યું ત્યારે ફટાકડાના જોરદાર અવાજને કારણે પાટા પર ઊભેલા લોકોને ટ્રેનની વ્હીસલ સંભળાઈ નહોતી.

બનાવ નજરે જોનાર એક જણે એમ કહ્યું કે ટ્રેને વ્હીસલ વગાડી નહોતી.

એક સ્થાનિક રહેવાસીએ કહ્યું કે, રેલવેના પાટા નજીકમાં જ હોવાથી ગયા વર્ષે આ જગ્યાએ રાવણ દહન કાર્યક્રમ યોજવાની પરવાનગી આપવામાં આવી નહોતી. પણ આ વખતે આયોજકોએ જબરદસ્તીથી પરવાનગી મેળવી હતી.

આ વખતના દશેરા ઉજવણી કાર્યક્રમમાં પંજાબના પ્રધાન નવજોત સિંહ સિધુના પત્ની નવજોત કૌર મુખ્ય અતિથિ હતાં. કહેવાય છે કે એ કાર્યક્રમ સ્થળે મોડાં આવ્યાં હતાં અને રાવણ દહન વિધિ અડધો કલાક મોડી શરૂ કરાઈ હતી.

રેલવે અધિકારીએ કહ્યું કે, ફાટકના દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ લોકો તે છતાં રેલવેના નિયમોનો ભંગ કરીને પાટા પર જમા થયા હતા.

પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે પ્રત્યેક મૃતકના પરિવારને રૂ. પાંચ લાખના વળતરની જાહેરાત કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

વડા પ્રધાને પ્રત્યેક મૃતકના પરિવારને રૂ. બે-બે લાખ અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. 50-50 હજાર આપવાની જાહેરાત કરી છે.

દર્દનાક દુર્ઘટનાનાં દ્રશ્યોનો ઘણા લોકોએ એમના મોબાઈલ ફોન દ્વારા વિડિયો ઉતાર્યો હતો. એમાંના અમુક વિડિયો અહીં જોઈ શકાય છે.

 

httpss://youtu.be/H36iApu3QTQ