શિર્ડીને પીએમ મોદીની દશેરા ગિફ્ટ: 2 લાખ લાભાર્થીઓને ઘરની ચાવી સુપરત કરી

શિર્ડી (મહારાષ્ટ્ર) – એહમદનગર જિલ્લાના તીર્થધામ શિર્ડીની આજે મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના લોકોને દશેરાની ગિફ્ટ આપી છે. વડા પ્રધાને ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (PMAY) અંતર્ગત 2,44,444 લાભાર્થીઓને ઘરની ચાવી સુપરત કરી છે.

અહીં જાહેર સભાને સંબોધિત કરતાં વડા પ્રધાને કહ્યું કે કાયમી ઘર થાય તો જીવન આસાન બને છે અને ગરીબી સામે લડવાનો ઉત્સાહ મળી રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે 2022ની સાલ સુધીમાં દેશના પ્રત્યેક પરિવારને એક કાયમી ઘર પૂરું પાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. મને ખુશી છે કે અમે એ દિશામાં અડધી સફર પૂરી કરી લીધી છે.

વડા પ્રધાને આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટી અને તેની આગેવાની હેઠળની આગલી યુપીએ સરકારને ચાબખા મારવાની તક પણ ઝડપી લીધી હતી અને કહ્યું કે અગાઉની સરકારે માત્ર 25 લાખ ઘરો આપ્યા હતા, પણ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એનડીએ સરકારે છેલ્લા ચાર વર્ષમાં એક કરોડ અને 25 લાખ ઘર બાંધ્યા છે.

વડા પ્રધાન મોદી સાઈબાબા સમાધી શતાબ્દિ વર્ષના સમાપન સમારોહમાં હાજરી આપવા માટે શિર્ડી આવ્યા છે. સવારે શિર્ડી પહોંચીને તેઓ સાઈબાબા મંદિરમાં ગયા હતા અને સાઈબાબાના દર્શન કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]