2019ની ચૂંટણી પહેલાં આ કારણે રામમંદિર નિર્માણ મુદ્દો ઉકેલવો ભાજપ માટે મુશ્કેલ

0
1474

નવી દિલ્હી- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિર નિર્માણને લઈને સરકાર સમક્ષ મોટી માગણી કરી છે. તેમણે કહ્યું કે, રામ જન્મ ભૂમીના માલિકીના હક્ક મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે અને સરકારે એક યોગ્ય કાયદા હેઠળ ભવ્ય મંદિરના નિર્માણનો માર્ગ શોધવો જોઈએ. ભાગવતનું આ નિવેદન એટલા માટે મહત્વનું છે, કારણ કે લોકસભાની ચૂંટણી આડે હવે માત્ર થોડા જ મહિનાનો સમય બાકી છે.ભાગવતે કહ્યું કે, રામ જન્મભૂમી આંદોલનના એક હિસ્સો હોવાને નાતે અમે કહ્યે છીએ કે, રામ જન્મભૂમી પર તાત્કાલિક ધોરણે મંદિરનું નિર્માણ થવું જોઈએ, તેથી આ મુદ્દે જલ્દી નિર્ણય થવો જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે, સરકાર આ મુદ્દે એક યોગ્ય કાયદો ઘડે અને તેના હેઠળ મંદિરનું નિર્માણ કરે.

આ નિવેદન પરથી એ સમજવું મહત્વપૂર્ણ છે કે, RSSના વડાને લાગે છે કે, સંસદમાં કાયદો ઘડીને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ સરળતાથી કરી શકાય, પરંતુ આ એટલું સરળ નથી. જોકે બીજેપીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર પાસે લોકસભામાં બહુમતી છે, પરંતુ મુશ્કેલી ત્યાં છે કે, જેડીયું જેવા તેમના જ કેટલાક સહયોગી દળો આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. તો બીજી તરફ રાજ્યસભામાં એનડીએ પાસે બહુમતી નથી. તમને જણાવી દઈએ કે, સંસદની બંન્ને સભાઓમાં બીલ પાસ થવું જરૂરી છે. અને ત્યાર બાદ તે બિલને રાષ્ટ્રપતિ મંજૂરી મળવી જરૂરી છે. પછી કાયદો લાગુ કરી શકાય. આ પ્રક્રિયામાં સમય લાગી શકે છે.

સામાન્ય રીતે નવા કાયદાને લાગૂ કરવામાં 9થી10 મહિના જેટલો સમય લાગે છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ પણ કાયદાને અસ્તિત્વમાં લાવવા માટે નીતિ નિયમોને બંધારણ હેઠળ તૈયાર કરવા પડે છે.

આગામી 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપને રાજકીય ફાયદો પહોંચાડવા માટે RSS આ મુદ્દાને જલ્દી સમાપ્ત કરવાની તૈયારીમાં છે. કારણ કે ચૂંટણી આડે હવે માત્ર 6 મહિના જેટલો સમય બચ્યો છે. પરંતુ આ સમયગાળામાં કોઈ નવો કાયદો આસ્તિત્વમાં લાવવો કાયદાકીય રીતે તો શક્ય નથી. અયોધ્યાનો મામલો રાજકીય રીતે ઘણો સંવેદનશીલ છે. રિસાયેલી પાર્ટીઓ કોઈ પણ કાયદાની બંધારણીય માન્યતાની વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં પણ જઈ શકે છે. માટે આ મુદ્દો ભાજપ માટે 2019ની ચૂંટણી પહેલા કાયદાકીય રીતે નિપટાવવો મુશ્કેલ છે.