કોલકાતાઃ કોલકાતાના ટ્રેની ડોક્ટરના રેપ-હત્યા કેસમાં CM મમતા બેનરજીના રાજીનામાની માગ કરતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર છે, ત્યારે ભાજપે 12 કલાકનું બંગાળ બંધનું આહવાન કર્યું છે. આ બંધ સવારે છથી સાંજે છ કલાક રહેશે. આ બંધ દરમ્યાન ઉત્તર પરગણાના ભાટપાડામાં ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેની કાર પર 6-7 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. તેમની કાર પર દેશી બોમ્બ પણ ફેંકવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એક દેશી બોમ્બ પણ જપ્ત કર્યો હતો. ભાજપના નેતા અર્જુન સિંહનું કહેનું હતું કે પ્રિયાંગુની હત્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બંધ દરમ્યાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી કોલકાતાના બાટા ચોક પર દેખાવો કરી રહેલા લોકેટ ચેટરજીને પોલીસે હિરાસતમાં લેવામાં આવ્યા હતા. એ દરમ્યાન તેમણે કહ્યું હતું, જેટલું આ લોકો મને હિરાસતમાં લેશે, એટલું જ લોકો આ પ્રદર્શનનો હિસ્સો બનશે. આ લોકોનો ગુસ્સો છે અને લોકો રસ્તાઓ પર છે.
આ બંધ દરમ્યાન રાજ્યમાં બસ અને ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી. જ્યારે ફ્લાઇટ સેવાઓ પણ પ્રભાવિત થવાની ચેતવણી જારી કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે પોલીસની છૂટીછવાઈ અથડામણ થઈ હતી. TMC અને ભાજપના નેતાઓની વચ્ચે પણ આરોપ-પ્રત્યારોપનો દોર જારી રહ્યો હતો.
ભાજપ કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે TMCના લોકોના કહેવા પર પોલીસ તેમને ડિટેન કરી રહી છે. પોલીસ સતત ભાજપના કાર્યકર્તાઓને બસોમાં ભરીને લઈ જઈ રહી છે. બંગાળ બંધની માહિતી આપતાં ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે બંગાળમાં મમતા બેનરજીએ નિર્મમતા અને તાનાશાહીની બધી હદો પાર કરી દીધી છે.