નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે કેટલીક નાટ્યાત્મક ઘટનાઓ બની હતી. એમાંની એકમાં, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન (રેલવે) દિનેશ ત્રિવેદીએ તૃણમુલ કોંગ્રેસના સદસ્યપદેથી રાજીનામું આપ્યું હતું. બજેટ અંગેની ચર્ચા વખતે પોતાના સંબોધનમાં એમણે જાહેરાત કરી હતી કે પોતે રાજ્યસભામાંથી રાજીનામું આપે છે.
ત્રિવેદીએ કહ્યું કે એમને હવે ગૂંગળામણ જેવી લાગણી થાય છે. રાજીનામું આપવાનો નિર્ણય લેવાની એમને ફરજ પડી છે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં જે રીતે હિંસાચાર થઈ રહ્યો છે એને ધ્યાનમાં લઈને પોતે આત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યું છે. પોતે બંગાળ રાજ્ય અને દેશ માટે સેવા કરવાનું ચાલુ રાખશે એમ પણ તેમણે કહ્યું હતું.
