દિલ્હીની 16 વર્ષની ‘ટિકટોક’ સ્ટાર સિયા કક્કડે આત્મહત્યા કરી

નવી દિલ્હીઃ એક વધુ ચોંકાવનારી ઘટનામાં, પૂર્વીય દિલ્હીસ્થિત ગીતા કોલોની વિસ્તારમાં જાણીતી ‘ટિકટોક’ સ્ટાર સિયા કક્કડ (16)એ ગઈ કાલે મધરાતે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. એણે તેનાં ઘરમાં ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાનું કહેવાય છે. સિયાનાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર મોટી સંખ્યામાં ફેન્સ છે. સિયાને ‘ટિકટોક’ પર 11 લાખ લોકો ફોલો કરે છે અને ઇન્સ્ટાગ્રામ પર આશરે 91,000 લોકો એની સાથે જોડાયેલા છે. બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગઈ 14 જૂને મુંબઈના બાંદરાસ્થિત પોતાના નિવાસસ્થાને ગળાફાંસો લગાવીને આત્મહત્યા કર્યાના થોડા જ દિવસો પછી સિયાની આત્મહત્યાની ઘટના બની છે.

સિયાનો મોબાઇલ ફોન પોલીસે તાબામાં લીધો

હજી ગઈ કાલે બુધવારે જ એક વિડિયો અપલોડ કર્યા બાદ સિયા બહુ આનંદમાં હતી તો તેણે આત્મહત્યા કેમ કરી? એવા સવાલો થઈ રહ્યા છે. વળી, પોલીસને ઘટનાસ્થળેથી સિયાની સુસાઇડ નોટ પણ નથી મળી. પોલીસે  સિયાનો મોબાઇલ તાબામાં લઈ લીધો છે.

સિયાને ધમકી મળતી હતી?

પરિવારનાં સૂત્રોનું કહેવું છે કે સિયાને કેટલાક લોકો ધમકીઓ આપી રહ્યા હતા, એટલે તે પરેશાન હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તપાસ પછી આ વિશે ટિપ્પણી કરી શકાશે. હાલ તો તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાયા પછી પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.

છેલ્લો વિડિયો ‘ટિકટોક’ પર મૂક્યો

પ્રાપ્ત માહિતી અનુસાર સિયા કક્કડ પરિવારની સાથે 13 બ્લોક, ગીતા કોલોનીમાં રહેતી હતી. હજી ગઈ કાલે, બુધવારે જ એણે તેનો છેલ્લો વિડિયો ‘ટિકટોક’ પર મૂક્યો હતો. તે ઉપરાંત તેણે એનાં મેનેજર અર્જુન સરીન સાથે એક ગીત વિશે વાતચીત પણ કરી હતી. અર્જુને કહ્યું હતું કે વાતચીત પરથી તો એવું જરાય નહોતું લાગ્યું કે એ પરેશાન છે. રાત્રે 12 વાગ્યે તેણે તેના રૂમમાં ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ગઈ કાલે રાત્રે જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આવીને મૃતદેહને કબજામાં લીધો હતો.

સોશિયલ મિડિયા પર શોકનું મોજું

સિયા કક્કડનાં આકસ્મિક નિધનથી નેટિઝન્સ સ્તબ્ધ છે, કેમ કે યુવા સ્ટારનું ભવિષ્ય ઉજ્જવળ હતું. સોશિયલ મિડિયા પર સિયાનાં પ્રશંસકો શોક વ્યક્ત કરી રહ્યા છે. તેના ઘરમાં સન્નાટો છે. પરિવારમાંથી કોઈ વાત કરવા માટે તૈયાર નથી. પિતા ઇન્દર કક્કડે કોઈની પણ સાથે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેના બહેન અને ભાઈએ માત્ર એટલું જ કહ્યું કે સિયા હવે જતી રહી છે અને સૌ એનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.