નવી દિલ્હીઃ રાજસ્થાનના ભરતપુરના નગલા ડિડામાં શનિવારે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જિલ્લા કલેક્ટર આલોક રંજને કહ્યું હતું કે પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે હાજર છે. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે અત્યાર સુધી પાઇલટ વિશે કોઈ માહિતી નથી મળી. આ અકસ્માત પાછળ ટેક્નિકલ ખામીની આશંકા બતાવવામાં આવી રહી છે. મધ્ય પ્રદેશના મુરૈનાની પાસે એક સુખોઈ-30 અને મિરાજ-2000 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાં હતાં, એમ એક અધિકારીએ કહ્યું હતું.
મધ્ય પ્રદેશમાં મુરૈના પહાડગઢ વિસ્તારમાં એરફોર્સનાં બે લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાં હતાં. સુખોઈ-30 MKI વિમાનનાં બે પાઇલટ વિમાનથી સુરક્ષિત બહાર નીકળી ગયા હતા, પણ મિરાજ-2000ના પાઇલટનું મોત થયું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
એરફોર્સે એક નિવેદનમાં કહ્યું હતું કે એરફોર્સનાં બે લડાકુ વિમાન સવારે ગ્વાલિયરની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયાં હતાં. સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોએ માહિતી આપી હતી કે બંને વિમાનોએ મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી ઉડાન ભરી હતી. બંને એક એક્સરસાઇઝનો હિસ્સો હતો. સ્થાનિક જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં Su-30માં બે પાઇલટ હતા, જ્યારે મિરાજ-2000માં એક પાઇલટ હતો.
એરફોર્સે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે એરફોર્સના બે લડાકુ વિમાન ગ્વાલિયરની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. વિમાન નિયમિત તાલીમના મિશન પર હતા. એમાં સામેલ ત્રણ પાઇલટોમાંથી એકને ગંભીર ઇજા થઈ છે. આ દુર્ઘટનાનાં કારણોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે એરફોર્સનાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થવા પર એરફોર્સના પ્રમુખ દ્વારા માહિતી લીધી હતી.