પુલવામાઃ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. જો કે અત્યારે ત્રણેય આતંકવાદીઓના મૃતદેહો પ્રાપ્ત થયા નથી. પ્રાપ્ત વિગતો અનુસાર સુરક્ષા દળોએ હિઝબુલના આતંકી જહૂર ઠોકરને પણ ઠાર કર્યો છે. આ સાથે જ ઈન્ટરનેટ સેવાઓને આ વિસ્તારમાં બંધ કરી દેવામાં આવી છે.
આ એન્કાઉન્ટરમાં દરમિયાન એક ભારતીય જવાન શહિદ પણ થયો છે. તો આ સીવાય બે અન્ય જવાનો ઘાયલ થયા છે.
સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટર બાદ પુલવામામાં તણાવનો માહોલ ઉભો થયો છે.સુરક્ષાદળો અને સ્થાનિક લોક વચ્ચે થયેલા ઘર્ષણમાં 7 લોકોના મોત થયાં છે, જેમાં ઈન્ડોનેશિયાથી એમબીએની ડિગ્રી મેળવીન પરત આવેલો આબિદ પણ શામિલ છે. હાલ અહીં ઈન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી છે.
આજે સવારે પુલવામાં જિલ્લાના ખારપુરામાં સુરક્ષા દળોને અહિંયા આતંકીઓ છુપાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અને તેના આધારે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ શરુ કરેલા આ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળના જવાનો પર ગોળીબાર શરુ કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ ગોળીનો જવાબ ગોળીથી આપતા આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. સૈન્ય દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં હિઝબુલ કમાન્ડર જહૂર સહિત ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
જહૂર ઠોકર નામનો આ આતંકી મૂળ 173 ટેરીટોરિયલ આર્મીનો સભ્ય હતો અને તે 2016માં સર્વિસ રાયફલ સાથે ભાગીને આતંકી બની ગયો હતો. ત્રણેય આતંકીઓના મૃતદેહો અત્યાર સુધી પ્રાપ્ત થયા નથી. અત્યારે સેન્યના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઘાટીમાં સૈન્યના જવાનો સતત આતંક વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. આ પહેલા પણ સોપોરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ વર્ષે કાશ્મીરમાં આશરે 235 આતંકીઓને સૈન્યના જવાનો દ્વારા ઠાર કરવામાં આવ્યા છે જેમાં મોટાભાગના સ્થાનિય છે.