પાકિસ્તાન હાઈકમિશનમાંથી 23 ભારતીય પાસપોર્ટ ગુમ, સુરક્ષા એજન્સીઓ સતર્ક

નવી દિલ્હી- પાકિસ્તાન સ્થિત ગુરુદ્વારાની યાત્રા કરનારા 23 ભારતીય શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થવાના સમાચાર બહાર આવ્યાં છે. આ સમાચારે તમામ લોકોને ચિંતામાં મૂકી દીધા છે. આ તમામ પાસપોર્ટ શીખ શ્રદ્ધાળુઓના છે, જે પાકિસ્તાન સ્થિત કરતારપુર અને અન્ય ગુરુદ્વારાઓની મુલાકાત માટે પાકિસ્તાન જવાના હતાં. મહત્વનું છે કે, ગત મહિને જ કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન હાઈ કમિશન તરફથી ભારતીય તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થયાં બાદ તેમણે પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

Pakistan high commission in New Delhi

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ભારતના વિદેશ મંત્રાલયે ગુમ થયેલા તમામ પાસપોર્ટ રદ કરવાની યોજના બનાવી છે, અને પાકિસ્તાન હાઈ કમિશન સાથે પણ આ મામલે વાતચીત કરી છે. પાકિસ્તનને ગત મહિને 21થી 30 નવેમ્બર સુધી ગુરુ નાનકની 549મી જયંતિમાં હાજરી આપવા માટે 3800 ભારતીય શીખ તીર્થયાત્રીઓને વિઝા મંજૂર કર્યાં હતાં.

પાકિસ્તાને 23 ભારતીય શીખોના પાસપોર્ટ ગુમ થવા મામલે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધાં છે. આ તમામ પાસપોર્ટ દિલ્હી સ્થિત એક એજન્ટે લીધા હતાં, જેનો દાવો છે કે, તેમણે આ તમામ પાસપોર્ટ પાકિસ્તાની હાઈ કમિશનમાં જમા કરાવ્યાં હતાં. એજન્ટે ભારતીય અધિકારીને જણાવ્યું કે, જ્યારે તે પાસપોર્ટ લેવા પાકિસ્તાન હાઈ કમિશન પાસે ગયો ત્યારે કમિશને જણાવ્યું કે તેમને ડોક્યુમેન્ટ નથી મળ્યાં.

પાસપોર્ટ ગુમ થયાં બાદ ભારતીય અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, અમે આ પાસપોર્ટનો દૂરપયોગ થતો અટકાવવા માટે તમામ જરૂરી કાર્યવાહી કરીશું. દેશની સુરક્ષા માટે ભારત સરકારે અધિકારીઓને કરતારપુર કોરિડોર પર ચાંપતી નજર રાખવા સૂચના આપી છે.

તમને જણાવી દઈએ કે, આ કોરિડોરનો આતંકવાદ જેવી જોખમી ગતિવિધિઓ માટે દૂરપયોગ ન થાય, તે અંગે ભારતીય સેના પહેલા જ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. તો બીજી તરફ હાલમાં જ કેટલાક શીખ ધાર્મિક સ્થળો પર ખાલિસ્તાન સમર્થિત પોસ્ટરો પણ જોવા મળ્યાં છે. પાસપોર્ટ ગૂમ થવાની ઘટના ને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.