મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીએ 2020ના માર્ચ મહિનાથી દેશ આખાને ભરડો લીધો છે. આ રોગચાળાએ લોકોની જીવનશૈલીમાં ધરખમ ફેરફાર લાવી દીધો છે. આવી પરિસ્થિતિમાં દેશમાં રહેવા માટે શ્રેષ્ઠ શહેર કયું? એ વિષય પર એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ સર્વેમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો કે એ કયું શહેર છે જે આવી મહાબીમારીમાં પણ રહેવા માટે સૌથી ઉત્તમ છે અને જ્યાં રહેવાસીઓને શ્રેષ્ઠતમ આરામદાયક સવલતો પૂરી પાડવામાં આવી છે.
સ્કવેર યાર્ડ્સ નામની સંસ્થાએ હાથ ધરેલા સર્વેનું શીર્ષક છેઃ ‘યોગ્યતાની યાદીઃ કોવિડના દ્રષ્ટિકોણ અનુસાર’. અને આ સર્વેમાં લોકોએ સૌથી વધારે મત આપ્યો છે હરિયાણા રાજ્યના ગુરુગ્રામ શહેરને. આ અભ્યાસમાં જનસંખ્યા, ખુલ્લા-મોકળાશભર્યા વિસ્તારનો રેશિયો, આરોગ્યની કાળજીની સવલતો જેવા માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. કારણ કે, ઓફિસો બંધ રહી હોવાથી વર્ક ફ્રોમ હોમ પદ્ધતિ વધારે મહત્ત્વની બની છે. ગુરુગ્રામ શહેર આ બાબતોમાં દેશના ચાર મહાનગરો તથા અન્ય મોટા શહેરો સામે મેદાન મારી ગયું છે.