ચેતજો, દેશની 23 યુનિવર્સિટીઝ ગેરકાયદે, આ રહ્યું આખું લિસ્ટ…

નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશને એવા 23 વિશ્વવિદ્યાલયોની યાદી જાહેર કરી છે, જેને તેની માન્યતા પ્રાપ્ત નથી થઈ. આમાં સૌથી વધારે 8 યુનિવર્સિટી ઉત્તર પ્રદેશની છે. યુજીસીએ વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીમાં એડમિશન લેવા મામલે પણ સચેત કર્યા છે. યૂજીસી દેશમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોને માન્યતા આપે છે. તેઓ આની સાથે જોડાયેલા નિયમો અને શરતો પણ નક્કી કરે છે.

યૂજીસીના સેક્રેટરી રજનીશ જૈને કહ્યું કે સ્ટૂડન્ટ્સ અને લોકોને અમે જણાવવા માગીએ છીએ કે અત્યારે 23 સ્વયંભૂ અને જેની પાસે માન્યતા નથી તેવા સંસ્થાન દેશના ઘણા ભાગમાં ચાલી રહ્યાં છે. આ યુજીસી એક્ટની વિરુદ્ધ છે. આમાં સૌથી વધારે 8 યુનિવર્સિટી ઉત્તરપ્રદેશમાં છે. ત્યારબાદ દિલ્હીનો નંબર આવે છે. ત્યાં પણ આવી 7 યુનિવર્સિટી ચાલી રહી છે.

કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પોંડીચેરીમાં એક-એક ગેરકાયદે યુનિવર્સિટી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા ગેરકાયદેસર વિશ્વવિદ્યાલયોમાં વારનસ્યા સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય(વારાણસી), મહિલા ગ્રામ વિદ્યાપીઠ (પ્રયાગરાજ), ગાંધી હિન્દી વિદ્યાપીઠ (અલીગઢ), ઉત્તર પ્રદેશ વિશ્વવિદ્યાલય (મથુરા), નેશનલ યૂનિવર્સિટી ઓફ ઈલેક્ટ્રો કોમ્પ્લેક્સ (કાનપુર), નેતાજી સુભાષચંદ્ર બોઝ ઓપન યુનિવર્સિટી (અલીગઢ), મહારાણા પ્રતાપ શિક્ષા નિકેતન વિશ્વવિદ્યાલય (પ્રતાપગઢ), અને ઈન્દ્રપ્રસ્થ શિક્ષા પરિષદ (નોએડા) શામિલ છે.

દિલ્હીમાં ગેરકાયદેસર યૂનિવર્સિટીના લિસ્ટમાં કોમર્શિયલ યૂનિવર્સિટી લિમિટેડ, યૂનાઈટેડ નેશન્સ યૂનિવર્સિટી, વોકેશનલ યૂનિવર્સિટી, એડીઆર સેંટ્રિક જ્યૂરિડિકલ યૂનિવર્સિટી, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, આધ્યાત્મિક વિશ્વ વિદ્યાલય અને વિશ્વકર્મા ઓપન યૂનિવર્સિટી ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો સમાવેશ થાય છે.

બડગાન્વી સરકાર ઓપન યૂનિવર્સિટી એજ્યુકેશન સોસાયટી કર્ણાટકમાં સ્થિત છે. સેંટ જોંસ યૂનિવર્સિટી કેરળમાં છે. રાજા અરેબિક યૂનિવર્સિટી મહારાષ્ટ્રમાં છે. શ્રી બોધી એકેડમી ઓફ હાયર એજ્યુકેશન પોંડીચેરીમાં છે.