EVMs માં છેડછાડનો કોઈ સવાલ જ નથીઃ CEC સુશીલ ચંદ્રા

નવી દિલ્હીઃ સમાજવાદી દ્વારા ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન (EVM) પર લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતાં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે EVMમાં છેડછાડ કરવાનો કોઈ સવાલ જ નથી, કેમ કે દેશમાં ચૂંટણી પંચે હંમેશાં ચૂંટણીમાં પારદર્શિતા રાખી છે. તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ ADM વારાણસીને સસ્પેન્ડ કરી દીધા છે, કેમ કે તેમણે EVMને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતાં પહેલાં રાજકીય પક્ષોને જાણ કરવાની પ્રક્રિયાનું પાલન નહોતું કર્યું.

તેમણે કહ્યું હતું કે EVMમાં છેડછાડ કરવાનો કોઈ સવાલ નથી, 2004થી EVMનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 2019થી અમે દરેક મતદાન કેન્દ્ર પર વોટર-વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેલ (VYPAT)ની જાળવણી કરવાનું શરૂ કર્યું છે. એને જોયા પછી રાજકીય પક્ષોના એજન્ટોની હાજરીમાં EVMને સીલ કરી દેવામાં આવે છે અને તેમના હસ્તાક્ષર લેવામાં આવે છે. વળી, અમારા સ્ટ્રોન્ગ રૂમમાં કે જ્યાં EVM રાખવામાં આવે છે, ત્યાં CCTV કેમેરા લાગેલા છે. રાજકીય પક્ષોના એજન્ટો પણ સ્ટ્રોન્ગ રૂમ પર નજર રાખે છે.એટલે EVMમાં કોઈ પણ પ્રકારની છેડછાડનો સવાલ જ ઊભો નથી થતો અને કોઈ પણ EVMને સ્ટ્રોન્ગ રૂમમાંથી બહાર કાઢવામાં નથી આવતા.

વારાણસીમાં EVM મશીનો લઈ જવામાં આવી રહ્યા હતાં, ત્યારે ADMની એ ભૂલ થઈ હતી કે તેમણે રાજકીય પક્ષોને એની જાણ નહોતી કરી.