નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. હાલમાં ક્રૂડની કિંમતો પ્રતિ બેરલ 70 ડોલરની આસપાસ હતી, પરંતુ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. જોકે હજી ક્રૂડ પહેલાંની તુલનાએ સસ્તું છે,જેથી દેશમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટાડવાની માગ થઈ છે.
આ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જે ઘટાડો આવ્યો છે, તેના આધારે ઘરેલુ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 2-3 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાની સંભાવના છે, એવું રેટિંગ એજન્સી ઇકરાએ એક નોંધમાં કહ્યું છે.
ઇકરાએ તેની નોંધમાં કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બરમાં ક્રૂડના ભાવ 74 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયા છે અને જે માર્ચના 83 84 ડોલર પ્રતિ બેરલની સરખામણીમાં ઘણા ઓછા છે. જો આવું જ રહે છે તો ઘરેલુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 2 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકે છે. સામાન્ય ગ્રાહકો માટે આ નિર્ણય તેમના ખિસ્સા પર વધેલા બોજને થોડો ઘટાડી શકે છે.
ક્રૂડમાં તાજેતરના ઘટાડાથી ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સારા માર્જિનથી નફો કરી રહી છે. સરકારી નિયંત્રણ વાળી આ OMCs ને આ સમયે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાથી નુકસાન નહીં થાય, કારણ કે તેઓ પહેલેથી જ નફો કરી રહી છે.
17 સપ્ટેમ્બર, 2024 સુધી આંતરરાષ્ટ્રીય ઉત્પાદન કિંમતની તુલનામાં આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ મેળવવામાં રિકવરી 15 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ માટે 12 રૂપિયા પ્રતિ લિટર વધારે રહી છે. માર્ચ, 2024થી ઈંધણના છૂટક ભાવ બદલાવ વિના સ્થિર રહ્યા છે. લોકસભા ચૂંટણીઓના થોડા સમય પહેલા 15 માર્ચ 2024એ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બે રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.