‘દેશમાં હિન્દૂ મંદિરો અસ્વચ્છ છે’: નીતિન ગડકરીનું ચર્ચાસ્પદ નિવેદન

મુંબઈઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરી સ્પષ્ટવક્તા તરીકેની છાપ ધરાવે છે. એમણે ગઈ કાલે દેશના હિન્દૂ મંદિરો વિશે એક વિધાન કર્યું હતું. મંદિરોમાંની ગંદકી અને અસ્વચ્છતાની તેમણે ટીકા કરી હતી. એમણે કહ્યું, હિન્દૂ મંદિરોમાં સ્વચ્છતાનું પાલન કરવામાં આવતું નથી. એનાથી વિપરીત, વિદેશોમાંના ધર્મસ્થળોમાં આ વિશે પૂરી કાળજી લેવામાં આવે છે.

હવે ગડકરીના આ નિવેદનને પગલે ચર્ચાનો છૂટો દોર મળશે એ ચોક્કસ છે.

ગડકરીએ આ નિવેદન એક કાર્યક્રમમાં એમના સંબોધનમાં કર્યું હતું. એમણે કહ્યું હતું, ‘દેશમાં હિન્દૂ મંદિરોમાં સ્વચ્છતાનો અભાવ છે. આપણો દેશ એવો છે જ્યાં ખાસ કરીને હિન્દૂ સમાજના મંદિરોમાં સ્વચ્છતા હોતી નથી. આપણે ત્યાંની ધર્મશાળાઓ પણ સારી નથી હોતી. હું વિદેશમાં ગયો હતો ત્યારે ત્યાંના ગુરુદ્વારા, મસ્જિદ, ચર્ચમાંનું વાતાવરણ જોઈને મને થયું હતું, આપણા ધર્મસ્થળો પણ સારા હોવા જોઈએ.’