નવા ચૂંટાયેલા સાંસદોમાં ભાજપ અને કોંગ્રેસના આટલા સાંસદો છે દાગી!

18મી લોકસભાનું પરિણામ 4 જૂને આવી ગયું છે. 543 નવા ચૂંટાયેલા સાંસદોમાંથી 46% એટલે કે 251 વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાંથી 27 સાંસદોને અલગ-અલગ અદાલતોએ દોષિત ઠેરવ્યા છે.એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટ અનુસાર, આ અત્યાર સુધીના દાગી સાંસદોનો સૌથી મોટો આંકડો છે.

નોંધનીય છે કે અગાઉ 2019માં, ફોજદારી કેસ ધરાવતા 233 (43%) સાંસદો લોકસભા પહોંચ્યા હતા. નવા ચૂંટાયેલા 251 સાંસદોમાંથી 170 પર બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધ અપરાધોના કેસ છે.

જેમાં ભાજપના 63 સાંસદો, કોંગ્રેસના 32 અને સપાના 17 સાંસદો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. આ યાદીમાં તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના 7, DMKના 6, તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના 5 અને શિવસેનાના 4 સાંસદોના નામ છે.

વિશ્લેષણ મુજબ, 2009 થી ક્રિમિનલ કેસ જાહેર કરનારા સાંસદોની સંખ્યામાં 55 ટકાનો વધારો થયો છે. 2019માં 159 (29 ટકા) સાંસદો, 2014માં 112 (21 ટકા) સાંસદો અને 2009માં 76 (14 ટકા) સાંસદોની સરખામણીમાં આ પણ વધારો છે. નોંધનીય છે કે 2009 થી ગંભીર ગુનાહિત કેસ જાહેર કરનારા સાંસદોની સંખ્યામાં 124 ટકાનો વધારો થયો છે.