નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થવાની શક્યતા છે. આગામી સત્ર તોફાની રહેવાની સંભાવના છે. આ સત્રમાં વન નેશન- વન ઇલેક્શનનો રિપોર્ટ અને સંબંધિત બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત વકફ બિલ પર પણ હંગામો થવાની શક્યતા છે. આ શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. 26 નવેમ્બરે લોકસભા અને રાજ્યસભા બંનેનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવી શકે છે.
બંધારણનાં 75 વર્ષ પૂરા થવાના અવસર પર 26 નવેમ્બરે સંયુક્ત સત્ર બોલાવાય એવી શક્યતા છે. આ સ્પેશિયલ સંયુક્ત બેઠક વ્યવસ્થા જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં કરવામાં આવે એવી ધારણા છે, કેમ કે આ સ્થળે 26 નવેમ્બર 1949એ બંધારણ અપનાવવામાં આવ્યું હતું. તેથી 26 નવેમ્બરને હવે બંધારણ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
આ પહેલાં 26 નવેમ્બરનો દિવસ રાષ્ટ્રીય કાનૂન દિવસ તરીકે ઊજવાતો હતો, પરંતુ 2015માં નરેન્દ્ર મોદી સરકારે તેને બંધારણ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે સત્તાધારી NDA અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન બંને ખુદને બંધારણના રક્ષક ગણાવે છે. બંને પક્ષો એકબીજાને બંધારણના દુશ્મન તરીકે પ્રચાર કરવામાં કોઈ કરકસર છોડતા નથી. આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સહિત વિપક્ષો જો મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે તો બંધારણ ખતરામાં પડી જશે તેવો પ્રચારનો મારો ચલાવ્યો હતો. મોદી સરકાર ત્રીજી વખત સત્તા મેળવવામાં સફળ રહી અને કટોકટીના દિવસો યાદ કરીને 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી.