ટ્રાફિક નિયમ તોડવા પર આ રાજ્યમાં દંડ 10-ગણો કરાયો

નવી દિલ્હીઃ ટ્રાફિક નિયમો તોડવા પર લાગતા દંડને લીધે રસ્તા પર ચાલતા સમયે સતર્ક રહેવામાં મદદ મળે છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાવાળા માટે આવનારા દિવસો સારા નથી રહેવાના. સરકારે ટ્રાફિક નિયમો વધુ આકરા બનાવ્યા છે. આ સાથે રાજ્ય સરકારે પણ એકાએક પેનલ્ટી વધારીને આંચકો આપ્યો છે.

પશ્ચિમ બંગાળ સરકારે રોડ અકસ્માતો ઘટાડવાના ઉદ્દેશથી મોટર વાહન અધિનિયમ હેઠળ વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો માટે દંડની રકમ વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે 2019માં દંડની રકમ વધારી દીધી છે, જોકે પશ્ચિમ બંગાળ સરકારે આમ આદમીને પડનારી હાલાકીનો હવાલો આપીને દંડની રકમ નહોતી વધારી.

રાજ્ય પરિવહન વિભાગ દ્વારા જારી થયેલા નોટિફિકેશન મુજબ વિના લાઇસન્સે કાર ચલાવનાર વ્યક્તિઓને રૂ. 500ને બદલે રૂ. 5000નો દંડ ભરવો પડશે. આ ઉપરાંત લાપવાહીથી કાર ચલાવનારને રૂ. 4000 દંડ ભરવો પડશે, જે રૂ. 400 હતો. રસ્તા પર કાર ચલાવનાર નિયમોનું ઉલ્લંઘન કરવા પર રૂ. 500થી માંડીને રૂ. 1000ની વચ્ચે દંડ ભરવાનો રહેશે. જ્યારે કારનો વીમો નહીં હોય તો રૂ. 2000નો દંડ અને રસ્તા પર ઝડપથી કાર ચલાવવા માટે રૂ. 5000નો દંડ ભરવો પડશે.

આ નોટિફિકેશન મુજબ વગર રોડ પરમિટ કોઈ પણ વાહન ચલાવવા પર રૂ. 10,000 અને રજિસ્ટ્રેશન ના હોવા પર રૂ. 5000નો દંડ લગાવવામાં આવશે. વગર હેલ્મેટે રૂ. 1000નો દંડ લાગશે અને સાઇલન્ટ ઝોનમાં હોર્ન વગાડવા પર રૂ. 2000થી રૂ. 4000નો દંડ લગાવવામાં આવશે.